નાજાપુર ગામમાં પુલનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કામના સ્થળે વાહનચાલકોને યોગ્ય માર્ગદર્શન મળે અને સંભવિત અકસ્માતો અટકાવી શકાય તે માટે જરૂરી ડાઈવર્ઝન બોર્ડ મૂકવામાં આવ્યું ન હોવાથી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, પુલનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે ડાઈવર્ઝન અંગેનું નાનું બોર્ડ મૂકવામાં આવ્યું હતું, પરંતુ માત્ર બે દિવસમાં જ તે નીકળી ગયું હતું. ત્યારબાદ આજદિન સુધી સ્થળ પર યોગ્ય ડાઈવર્ઝન બોર્ડ મૂકવામાં આવ્યું નથી. આ ગંભીર બાબતે નાજાપુરના જાગૃત નાગરિક કૌશિક પાનસૂરિયાએ સંબંધિત અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું? ડાઈવર્ઝન બોર્ડના અભાવે જો કોઈ અકસ્માત સર્જાય અને જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે? તેવા સવાલો સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. વિકાસનાં કામોની સાથે નાગરિકોની સુરક્ષા જાળવવી પણ એટલી જ જરૂરી છે. ત્યારે સંબંધિત અધિકારીઓ તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ ડાઈવર્ઝન બોર્ડ, ચેતવણીનાં બોર્ડ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરે તેવી કૌશિક પાનસૂરિયાએ માગણી કરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં સાવચેતીનાં પગલાં લઈ શકાય.








































