‘સહજીવન મિશ્ર પાક પધ્ધતિ’ અપનાવી પ્રાકૃતિક ખેતીને બનાવો વધુ ટકાઉ અને ફાયદાકારક
ખેતીમાં એક જ પાક પર આધારિત રહેવાને બદલે મુખ્ય પાકની સાથે તેને અનુકૂળ બીજા પાકોનું વાવેતર કરવામાં આવે તો જમીનના સ્વાસ્થ્યનું જતન કરવાની સાથે આવકના નવા વિકલ્પો ઊભા થઈ શકે છે. પ્રાકૃતિક કૃષિમાં ‘સહજીવન મિશ્ર પાક પધ્ધતિ’ પાકોની વિવિધતાનો ઉપયોગ કરીને જમીન, પાણી અને કુદરતી સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની મહત્વપૂર્ણ પધ્ધતિ છે.
આ પધ્ધતિમાં પાકની પસંદગી કરતી વખતે તેનાં મૂળની ઊંડાઈ, વૃદ્ધિનો સમયગાળો, પાણીની જરૂરિયાત અને સૂર્યપ્રકાશની આવશ્યકતા ધ્યાનમાં લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ઘઉં સાથે ચણા, મસૂર કે વટાણા જેવા દ્વિદળી પાકોનું યોગ્ય આયોજન કરી શકાય છે. કપાસ કે તુવેર જેવા પાકોની સાથે મગ અથવા અડદ જેવા પાકો પણ સ્થાનિક પરિસ્થિતિ અને યોગ્ય અંતરને ધ્યાનમાં રાખીને ઉગાડી શકાય છે. દ્વિદળી પાકો જમીનના પોષકચક્રમાં યોગદાન આપે છે, જ્યારે જમીનને ઢાંકતા તરબૂચ, ચીભડા અને કાકડી જેવા પાકો ભેજ જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.
મિશ્ર પાક પધ્ધતિમાં મકાઈ, ગલગોટા, ચોળી, રાઈ અને બાજરા જેવા પાકોનું યોગ્ય આયોજન ખેતરમાં ઉપયોગી કીટકોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં મદદ કરી શકે છે. આથી, કુદરતી જીવાત વ્યવસ્થાપનને પ્રોત્સાહન મળે છે. સાથે જ એક કરતાં વધુ પાક ઉગાડવાથી વિવિધ પાકોમાંથી આવક મેળવવાની તક ઊભી થાય છે અને એક જ પાક પરની નિર્ભરતા ઘટાડી શકાય છે. ખેડૂતોએ મિશ્ર પાક અપનાવતાં પહેલાં પોતાની જમીન, પાણીની ઉપલબ્ધતા, હવામાન અને બજારની માંગનો અભ્યાસ કરવો જોઈએ. કૃષિ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ નાના વિસ્તારમાં પ્રયોગ કરીને ઉત્પાદન અને ખર્ચનું મૂલ્યાંકન કરવું હિતાવહ છે. આમ, ‘સહજીવન મિશ્ર પાક પધ્ધતિ’ પ્રાકૃતિક ખેતીને વધુ ટકાઉ બનાવવાની દિશામાં ઉપયોગી અભિગમ છે. પાકોની યોગ્ય પસંદગી અને વૈજ્ઞાનિક આયોજન દ્વારા જમીનનું સ્વાસ્થ્ય જાળવવા, કુદરતી સંસાધનોનો સદુપયોગ કરવા અને ખેતીને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાની દિશામાં ખેડૂતો આગળ વધી શકે છે.
આભાર – નિહારીકા રવિયા














































