દિન પ્રતિદિન વધતી જતી જનસંખ્યાને અનાજનો પુરવઠો પુરો પાડવા માટે તેમજ ઘટતી જતી ખેતીલાયક જમીન વિસ્તારમાં વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું તે માટે ખેડૂતોને આધુનિક ખેતી પધ્ધતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આધુનિક ઉર્જા આધારિત આ ખેતી પધ્ધતિમાં નવી તક્નીકોની સાથે રસાયણિક ખાતરો અને જંતુનાશકોનો પ્રયોગ મુખ્યત્વે છે જેને હિસાબે આજની આ ખેતી પધ્ધતિએ વિવાદાસ્પદ સ્થાન ગ્રહણ કરી લીઘી છે. જેમાં હાલના સમયે ઉત્પાદન ની સામે પ્રદુષણ, જમીનની ઉત્પાદકતાની સામે ટકાઉપણું અને ઉત્પાદનની સામે ઉર્જાવ્યય જેવા વિષયો કૃષિ વૈજ્ઞાનિકો માટે એક ચર્ચાનો વિષય બન્યા છે. અસંતુલિત ખેતી પધ્ધતિના પરિણામે પર્યાવરણના વિઘટન પર ખતરાની ઘંટી વાગી છે જેણા લીઘે આજના કૃષિ વૈજ્ઞાનિકોનું ધ્યાન એક એવી ખેતી પધ્ધતિ પર દોર્યું છે જે પર્યાવરણ માટે અનુકુળ તથા ટકાઉ હોય. આ સમસ્યાથી દુર રહેવા માટે જૈવિક ખેતી એક સારો વિકલ્પ સાબિત થઇ રહી છે. જે જમીનની ગુણવતા તેમજ પર્યાવરણને હાનીકારક તત્વોથી બચાવી રાખે છે. આ ખેતીએ એક એવી પધ્ધતિ છે કે જેમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ ઉપયોગની જગ્યાએ જમીનની ફળદ્રુપતા જાળવવા ફાર્મવેસ્ટ, કોમ્પોસ્ટ, સીવેજ તેમજ ફળ-ઝાડના બચેલા હિસ્સાનો પ્રયોગ કરવામાં આવે છે. જૈવિક ખેતીના ઈતિહાસ તરફ નજર દોરવીએ તો તેની સૌપ્રથમ શરૂઆત બ્રિટનમાં થઇ હતી, જ્યાં જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ખાતર તરીકે મુખ્યત્વે છાણીયું ખાતરનો મહત્તમ ઉપયોગ થતો હતો. જૈવિક ખેતી અપનાવતા ખેડૂતો જમીનમાં પોષકતત્વોની માત્રા બરાબર જળવાય રહે તે માટે રસાયણિક ખાતરો અને જંતુનાશકોની જગ્યાએ ફાર્મવેસ્ટ તથા લીલા પડવાશનો ઉપયોગ કરે છે.
જૈવિક ખેતી અપનાવવાથી થતા ફાયદાઓઃઓછું યાંત્રીકરણઃ શક્ય તેટલા ઓછા મશીનોનો ઉપયોગ કરીને પણ આ પ્રકારની ખેતી કરી શકાતી હોવાથી નાના ખેડૂતો પણ તેને સહેલાઈથી અપનાવી શકે છે.
ઓછી ખેતઅવશેષ સમસ્યાઃ ખેતીમાંથી પ્રાપ્ત થતા બાકી વધેલા અવશેષની નિકાલના ઈલાજ સ્વરૂપે ફરીથી કમ્પોસ્ટ બનાવીને તેને ઉપયોગમાં લઇ શકાય છે. ઓછું પ્રદુષણઃ આમ તો રસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ નહીવત હોવાથી જમીન, પાણી અને પર્યાવરણનું પ્રદુષણ ઓછુ થાય છે.
ખેતીખર્ચમાં ઘટાડોઃ આ ખેતી પધ્ધતિમાં જુદી જુદી પ્રકારની જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોનો ઉપયોગ નહીવત હોવાથી કુલ ખેતીખર્ચમાં ઘટાડો કરી શકાય છે. સારી ગુણવતાઃ કુલ રસાયણોનો એક યા બીજા પ્રકારે ઉપયોગ બિલકુલ નહીવત હોવાથી જૈવિક ખાદ્યમાં “હેલ્થ હેઝાર્ડ”ની સમસ્યા રહેતી નથી. વધુ મૂલ્યઃ જૈવિક ખાદ્ય ઉત્પાદનો સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ઉચિત હોવાથી ઉત્સાહી ગ્રાહકો વધુ મૂલ્ય આપીને પણ તેને ખરીદવાની કોશિશ કરે છે.
મુશ્કેલીઓઃ૧. રસાયણિક ખેતીને પરિણામે જમીનમાં રહેલા ફળદાયી સુક્ષ્મજીવાણુંઓની સંખ્યા અલ્પ અથવા તો શુન્યની આસપાસ થઇ જાય છે, જેને પુનર્જીવિત થતા લગભગ ૩ થી ૪ વર્ષ લાગે છે.
૨. શરૂઆતી સમયમાં કુલ ખેત ઉત્પાદનમાં ઓછા વતા પ્રમાણમાં ઘટાડો આવી શકે છે જેને કેટલાક ખેડૂતો સહન પણ નથી કરી શકતા.
મુખ્ય અવયવોઃ૧. જૈવિક ખાતર (ઓર્ગેનીક મેન્યોર): કાર્બનિક પદાર્થો જેવાકે છાણીયું ખાતર, સ્લરી, ભૂસું તથા અન્ય પાક અવશેષ, વર્મી કમ્પોસ્ટ, લીલો પડવાશ વગેરેના માધ્યમથી જમીન માટે જરૂરી પોષક તત્વોની માત્રા યથાવત રહે છે. તદુપરાંત ખેડૂતો સમુદ્ર અને મીઠા પાણીમાં ઉગતી બિનજરૂરી વનસ્પતિ તથા માછલીનો પણ ઉપયોગ કરી શકે છે. આ બધા તત્વોના ઉપયોગથી જમીનમાં રહેલ કુલ કાર્બનિક તત્વોની માત્રામાં વૃદ્ધિ થશે જેને પરિણામે જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે.
૨. જૈવિક જીવાત વ્યવસ્થાપનઃ આજની ખેતીમાં કીટકો તથા અન્ય જીવાતોનું નિયંત્રણ ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો એમ બંને માટે એક ગંભીર સમસ્યા છે. તેના નિરાકરણ સ્વરૂપે કીટકોના
પ્રાકૃતિક શત્રુઓનું સંરક્ષણ રસાયણિક દવાઓના વિકલ્પ સ્વરૂપે અપનાવી શકાય છે. બાયોપેસ્ટીસાઈડ્‌સ અને બાયોફન્જીસાઈડ્‌સ જેવી જૈવિક ઉત્પાદનોના ખેતીમાં પ્રયોગ વધારવો જોઈએ. કીટકો સામે રક્ષણ આપે તેવા બી.ટી. આધારિત સ્ટ્રેઈન (જાત) પણ મહતમ ઉપયોગી બન્યા છે.
જૈવિક ખેતીની શરૂઆત કરવા માટે કોઈ ખાસ પ્રકારના વ્યવસ્થાપનની આવશ્યકતા નથી. બધા જ ખેડૂત મિત્રો આસાનીથી આ ખેતી પધ્ધતિને અપનાવી શકે છે. નાના પાયે કરવામાં આવેલો પ્રયોગ સમય જતા મોટું સ્વરૂપ ધારણ કરવામાં મદદરૂપ બને છે. પોતાની જમીનનો થોડો ભાગ જૈવિક ક્રિયાઓ દ્વારા આધારિત ખેતી માટે નક્કી કરી તેના માટે અલગથી જ એક કાર્યયોજના બનાવી જેમાં મુખ્યત્વે પાકોની પસંદગી, જૈવિક ખાદ્યોની ઉપલબ્ધતા તેમજ કીટકો અને જીવાતોના નિયંત્રણ માટેની જરૂરી જાણકારી મેળવી તેનો યોગ્ય રીતે અમલ કરવો. આજે દરેક પર્યાવરણ સંરક્ષક આ ખેતી પધ્ધતિને અપનાવવાની વાત કરે છે. પર્યાવરણ અને જમીનના સંરક્ષણ માટે જૈવિક ખેતી મહત્વની ભૂમિકા અદા કરી રહી છે. જેના માધ્યમથી પ્રદુષણ ઉત્પન્ન કરતા ઘટકો જેવાકે રસાયણિક ખાતરો, જંતુનાશક, નિંદણનાશક વગેરેના વપરાશમાં ઘટાડો કરી જમીનની અંદર રહેલા ફાયદાકારક સુક્ષ્મજીવોના સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. આજે રાસાયણીક ખાતરો અને જંતુનાશકોના દિન પ્રતિદિન વધતા ઉપયોગથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધવા લાગી છે. આમ, જૈવિક ખેતીની જરૂરિયાત અને સંભાવનાઓ દિન પ્રતિદિન વધતી જઈ રહી છે.