અમરેલી-સાવરકુંડલા બાયપાસ રોડ પર બેફામ દોડતી ભારવાહક રિક્ષાના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બાઇકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી રિક્ષાચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે રામજીભાઈ ભુપતભાઈ ડાભી (ઉ.વ.૪૦)એ અજાણ્યા રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. તેમના ભત્રીજા મૃતક અર્જુનભાઈ છગનભાઈ ડાભી પોતાના હવાલાવાળું મોટરસાયકલ લઈને સાવરકુંડલા બાયપાસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આગળ જઈ રહેલી એક ભારવાહક રિક્ષાના ચાલકે કોઈપણ પ્રકારની સાવચેતી રાખ્યા વગર બેફિકરાઈથી અચાનક વળાંક લીધો હતો. આ દરમિયાન રિક્ષાનું સ્ટીઅરિંગ અર્જુનભાઈના મોટરસાયકલ સાથે અથડાયું હતું.અચાનક થયેલી આ ટક્કરથી બાઇકનું સંતુલન ખોરવાતાં અર્જુનભાઈ રસ્તા પર પટકાયા હતા. ગંભીર પછડાટના કારણે તેમને શરીરના ડાબી બાજુના ભાગે પાંસળીઓમાં ગંભીર ફ્રેક્ચર તેમજ શરીરે અન્ય ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ, અકસ્માત સર્જ્યા બાદ મદદ કરવાને બદલે ભારવાહક રિક્ષાચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.બી. ત્રિવેદી વધુ તપાસ ચલાવી રહ્યા છે.