દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી માત્ર ગામડાઓની લીલીછમ હરિયાળી, કાદવ-કીચડ અને ખેતરો સુધી સીમિત મનાતો ગંભીર ‘લેપટોસ્પાઇરોસીસ’ રોગ હવે ગ્રામીણ સીમાડા ઓળંગીને શહેરની ચોકડીઓ સુધી પહોંચી ગયો છે. નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત શહેરી વિસ્તારમાં લેપટોસ્પાઇરોસીસનો પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર ચિકિત્સા આલમમાં ભારે અફડાતફડી મચી ગઈ છે. આ ચોંકાવનારી બાબતની સત્તાવાર પુષ્ટિ નવસારી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડોક્ટર વિરેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી છે, જેને પગલે આરોગ્ય તંત્ર ત્વરિત હરકતમાં આવી ગયું છે.
લેપટોસ્પાઇરોસીસ એ નામના ખતરનાક બેક્ટેરિયાથી થતો એક જટિલ ચેપી રોગ છે, જે મુખ્યત્વે સંક્રમિત ઉંદર, ગાય, ભેંસ કે કૂતરા જેવા પ્રાણીઓના પેશાબ મારફતે પાણી અને માટીમાં ભળે છે. અત્યાર સુધી ખેતરોમાં દૂષિત પાણી વચ્ચે સતત કામ કરતા ખેડૂતો અને પશુપાલકો જ આનો ભોગ બનતા હતા. પરંતુ નવસારી શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ પર ભરાતા વરસાદી પાણી, ખુલ્લી ગટરો અને શહેરી વિસ્તારોમાં વધેલા ઉંદરોના ઉપદ્રવે આ રોગને શહેરમાં પગપેસારો કરવાનો માર્ગ બનાવી આપ્યો છે. દૂષિત પાણીના સંપર્કથી શહેરીજનો પણ હવે આ રોગની ઝપેટમાં આવી રહ્યા છે.
નવસારી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. એ રોગના લક્ષણો અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે, સંક્રમણ લાગ્યા બાદ દર્દીને એકાએક તીવ્ર તાવ આવવો, માથામાં અસહ્ય દુખાવો થવો, પીંડીઓ અને કમરના સ્નાયુઓમાં ભારે ખેંચાણ સાથે દુખાવો થવો તથા આંખો લાલ થઈ જવી જેવા પ્રારંભિક લક્ષણો જોવા મળે છે. તબીબી તંત્રએ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે આ લક્ષણોને સામાન્ય ચોમાસુ તાવ સમજીને ઘરે બેસી રહેવાની ભૂલ બિલકુલ ન કરવી. જો સમયસર યોગ્ય સારવાર ન મળે તો આ બેક્ટેરિયા શરીરમાં વધીને લીવર અને કિડની જેવા મહત્વના અંગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
શહેરમાં પ્રથમ કેસ સામે આવતા જ સિવિલ હોસ્પિટલ અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સર્વેક્ષણ અને દવાનો છંટકાવ શરૂ કરી દેવાયો છે. આ સાથે જ તબીબોએ નાગરિકો માટે બચાવની ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. વરસાદી પાણીમાં ખુલ્લા પગે જવાનું ટાળવું, જા પાણીમાં જવું અનિવાર્ય હોય તો રબરના બૂટનો ઉપયોગ કરવો અને શરીર પર વાગેલા કે છોલાયેલા ભાગ પર વોટરપ્રૂફ પટ્ટી લગાવવી અત્યંત જરૂરી છે. આ ઉપરાંત ઘરમાં અને આસપાસ ઉંદર નિયંત્રણ અને પીવાના પાણીની સ્વચ્છતા રાખવી અનિવાર્ય છે.
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ જે લેપટોસ્પાઇરોસીસ કેસની છેલ્લા પાંચ વર્ષની આંકડાકીય વાત કરવામાં આવે તો ૨૦૨૧ માં નવસારી જિલ્લામાં એક કેસ નોંધાયો હતો, ૨૦૨૨ માં બે કેસ નોંધાયા હતા જેમાંથી એકનું મૃત્યુ થયું હતું, ૨૦૨૩ માં એક પણ કેસ નોંધાયો ન હતો અને ૨૦૨૪ માં ત્રણ કેસ નોંધાતા એકનું મૃત્યુ થયું હતું અને ગત વર્ષે એટલે કે ૨૦૨૫ માં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ ૨૦૨૫ માં ૯ કેસ નોંધાયા હતા જેમાંથી એક પણ વ્યÂક્તનું મૃત્યુ થયું ન હતું અને ૨૦૨૬ માં જે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. જેને લઈને શહેરમાં એક કેસ નોંધાયો છે. જે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.