અમરેલી જિલ્લાના ધારીની ‘કૃષિ ખેડૂત ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી’ને નવી દિલ્હીમાં ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં પ્રતિષ્ઠિત ‘CII FPO એક્સેલન્સ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી હતી. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) અને CII-FACE દ્વારા આયોજિત સમિટમાં સંસ્થાનાં પ્રમુખ ભાવનાબેન ગોંડલીયાએ એવોર્ડ સ્વીકાર્યો હતો.મંડળી ખેડૂતોના આર્થિક ઉત્થાન, ખેતપેદાશોના મૂલ્યવર્ધન, પ્રોસેસિંગ અને યોગ્ય બજારભાવ અપાવવા માટે કાર્યરત છે. મહિલા ખેડૂતોની ભાગીદારી તથા ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપતી મંડળીની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી છે. આ સન્માનથી ધારી સહિત સમગ્ર અમરેલી જિલ્લાના ખેડૂત સમુદાય અને સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી પ્રસરી છે.






































