ધારી તાલુકાના પ્રેમપરા ગામમાં જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિ પર કુહાડીથી હુમલો કરવામાં આવતા ગંભીર ઈજા પહોંચી હતી. બનાવમાં બંને પક્ષના લોકોને ઈજા થઈ હતી. પ્રેમપરાના રહેવાસી રવિભાઈ પરસોત્તમભાઈ ધંધુકિયા અને વિશાલભાઈ ડાભી વચ્ચે લાંબા સમયથી જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું હતું. આ અદાવતને લઈને રાત્રિના સમયે બંને વચ્ચે ઝઘડો થયો હતો.મારામારી દરમિયાન વિશાલભાઈ ડાભીને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે પ્રથમ ધારી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હતા. રવિભાઈ ધંધુકિયાને પણ ઈજા થતા ધારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યારે શોભાબેન ધંધુકિયાને સામાન્ય ઈજાઓ થઈ હતી.ઘટનાની જાણ થતાં ધારી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. કુહાડીથી હુમલો કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો હતો. ઉપરાંત એક મહિલા આરોપીની પણ ધરપકડ કરી ધારી પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








































