અમરેલી લોકસભા ક્ષેત્રના સાંસદ ભરત સુતરિયાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને દીપાવલી અને નવા વર્ષના તહેવારો દરમિયાન મહુવા-સુરત તથા સુરત-મહુવા વચ્ચે દૈનિક સીધી વિશેષ ટ્રેન સેવા શરૂ કરવાની માંગ કરી છે. આ પત્રમાં ભરત સુતરીયાએ જણાવ્યું છે કે, સુરતમાં નોકરી અને વ્યવસાય અર્થે વસતા અમરેલી જિલ્લાના વિવિધ ગામો અને શહેરોના મોટી સંખ્યામાં નાગરિકો તહેવારોમાં વતન આવે છે. તહેવારોના સમયમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાથી હાલની રેલવે અને અન્ય પરિવહન સેવાઓ પર ભારે દબાણ રહે છે, અને ટિકિટ મેળવવામાં તેમજ મુસાફરીમાં અનેક મુશ્કેલીઓ પડે છે. તેથી તા. ૦૧-૧૧-૨૦૨૬ થી ૧૫-૧૧-૨૦૨૬ સુધી આ વિશેષ ટ્રેન દોડાવવા તેમણે ભલામણ કરી છે.

































