નવી દિલ્હી ખાતે નોંધાયેલા ૪.૮૨ કરોડના ફેક સ્ટોક ટ્રેડિંગ અને રોકાણ કૌભાંડની તપાસ દરમિયાન દિલ્હી પોલીસ સાયબર સેલને દક્ષિણ ગુજરાત સુધી પહોંચતી મહત્વપૂર્ણ કડીઓ મળી આવી છે. આ કેસમાં સુરત જિલ્લાના બારડોલી અને તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારના ચાર યુવકોની ધરપકડ કરવામાં આવી છે.
માહિતી અનુસાર, પાલમ કોલોનીમાં રહેતા એક રોકાણકારને શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ તેને એક નકલી ટ્રેડિંગ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. શરૂઆતમાં નફો મળતો હોવાનો ભાસ કરાવીને વિશ્વાસ જીત્યા બાદ ધીમે ધીમે મોટી રકમ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. અંતે રોકાણકાર પાસેથી કુલ ૪.૮૨ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
તપાસ દરમિયાન પોલીસે જે બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર થઈ હતી તેના આધારે સુરત અને તાપી જિલ્લામાં તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કેટલાક બેરોજગાર યુવકોને કર્ણાટકની એક ખાનગી કંપનીમાં સારી નોકરી અને આકર્ષક પગારની લાલચ આપવામાં આવી હતી. યુવકોને કર્ણાટક બોલાવી ૧૫ દિવસની ટ્રેનિંગની વાત કરવામાં આવી હતી. આ દરમિયાન કંપનીના નિયમોના બહાને તેમના નામે અલગ-અલગ બેંકોમાં કરન્ટ અને સેવિંગ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા.
આરોપીઓએ ટ્રેનિંગ પ્રક્રિયાના નામે ખાતાઓના નેટ બેંકિંગ આઈડી, પાસવર્ડ, મોબાઈલ નંબર અને સિમ કાર્ડ પોતાના કબજામાં લઈ લીધા હતા. ત્યારબાદ આ જ ખાતાઓનો ઉપયોગ કરીને દિલ્હીના રોકાણકાર પાસેથી છેતરાયેલી કરોડો રૂપિયાની રકમ અલગ-અલગ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.સાયબર ગુનાની ભાષામાં આવા ખાતાઓને ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ ગેરકાયદેસર નાણાંની હેરફેર માટે કરવામાં આવે છે.
ટેક્નીકલ સર્વેલન્સ અને બેંકિંગ ટ્રેલના આધારે દિલ્હી સાયબર સેલની ટીમ સુરત અને તાપી પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી બારડોલી અને સોનગઢ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે કુલ ચાર યુવકોની ધરપકડ કરી હતી, જેમાં ત્રણ આરોપીઓ બારડોલી વિસ્તારના અને એક આરોપી સોનગઢનો હોવાનું જાણવા મળ્યું છે.
ધરપકડ બાદ તમામ આરોપીઓને બારડોલી સબ-જેલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેસની ગંભીરતા અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે દિલ્હી પોલીસે ટ્રાન્ઝીટ રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ચારેય આરોપીઓના ત્રણ દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મંજૂર કર્યા હતા.હાલ દિલ્હી પોલીસ આરોપીઓને દિલ્હી લઈ ગઈ છે અને સમગ્ર નેટવર્ક, મુખ્ય માસ્ટરમાઇન્ડ તેમજ અન્ય સંભવિત ભોગ બનનારાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
તપાસ એજન્સીઓનું માનવું છે કે આ કૌભાંડ પાછળ આંતરરાજ્ય અથવા આંતરરાષ્ટ્રીય સાયબર ઠગ ટોળકી સક્રિય હોઈ શકે છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ બેંક ખાતાઓ, અન્ય રાજ્યોમાં કાર્યરત સાગરિતો અને કરોડો રૂપિયાની નાણાકીય હેરફેર અંગે મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.










































