વડીયાના રામપુર ગામે રહેતી એક યુવતીના લગ્ન રાજકોટના વાવડી ગામના યુવક સાથે થયા હતા. લગ્નના છ મહિના બાદ સાસરિયાએ ‘તું ગરીબ બાપની દીકરી છો અમારે તું જોઇતી નથી’ કહી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. જેનાથી તેણે ત્રાહિમામ થઈ પિયર આવીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રેખાબેન ધર્મેશભાઇ ગોંડલીયા (ઉ.વ.૨૯)એ ધર્મેશભાઇ હિંમતભાઇ ગોંડલીયા, હિંમતભાઇ રણછોડભાઇ ગોંડલીયા, હેમીબેન હિંમતભાઇ ગોંડલીયા, ભાવેશભાઇ હિંમતભાઇ ગોંડલીયા, જાગૃતીબેન ભાવેશભાઇ ગોંડલીયા તથા રવિભાઇ હિંમતભાઇ ગોંડલીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેના પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી તથા દિયરે લગ્ન ગાળાના છએક માસના સમયગાળા દરમ્યાન શારીરિક માનસિક ત્રાસ આપી કરિયાવર બાબતે મેણા-ટોણા મારી મારકૂટ કરી હતી. તેમજ ‘તું ગરીબ બાપની દીકરી છો અમારે તું જોઇતી નથી’ તેમ કહી આજથી અઢીએક વર્ષ પહેલા તેના માવતરે મૂકી જઇ આજદીન સુધી તેડવા આવ્યા નહોતા. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.










































