લોકો હવે ઉર્દૂવુડના હિન્દુ વિરોધી એજન્ડા પ્રત્યે જાગૃત થયા છે. પરંતુ હજુ ‘દીવાર’ અને ‘શોલે’ જેવી એક-બે ફિલ્મની જ તેમને જાણ છે. જેમ-જેમ જૂની હિન્દી ફિલ્મ જોતા જઈએ છીએ તેમ-તેમ થાય છે કે પહેલાંની ફિલ્મમાં હિન્દુને અહિન્દુ બનાવવાનો કેવો-કેવો કારસો રચાયો હતો?
‘જિસ કા કોઈ નહીં, ઉસ કા તો..’ પછી શું આવે? એવો પ્રશ્ન પૂછાય તો મોટા ભાગના કહેશે ‘ખુદા હૈ યારો’. આ આપણા મસ્તિષ્કમાં ફિટ કેવી રીતે થઈ ગયું? ૧૯૭૨ની ‘ઝમીં આસમાન’ નામની ફિલ્મમાં આ એજન્ડા નાખવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં વાર્તા શું હતી? અશોકકુમાર પોતાની પત્ની ઈન્દ્રાણી મુખર્જીને બે બાળકો સહિત ત્યજી દે છે. ઈન્દ્રાણી મુખર્જીને આશ્રય આપે છે એક મુસ્લિમ મહિલા અચલા સચદેવ. અચલા સચદેવ પાસે એક અનાથ બાળક પણ આવે છે અને તે તેને ભોજન આપે છે ત્યારે કહે છે, જિસ કા કોઈ નહીં ઉસ કા ખુદા હોતા હૈ.
ભારતમાં અનેક મંદિરો, અનેક સેવા સંસ્થાઓ આજે પણ પ્રતિ દિન અનેક નિરાધારોને, નિર્ધનોને ભોજન કરાવે છે. ત્યારે તો આટલો કળિયુગ નહોતો તો શું તે વખતે ઈન્દ્રાણી મુખર્જી જેવી નિરાધાર સ્ત્રીને ભોજન કરાવનાર કોઈ સંસ્થા નહીં હોય? કોઈ આશ્રય આપનાર નહીં હોય? તે પછી ૧૯૮૧માં આવેલી ‘લાવારિસ’ ફિલ્મમાં પ્રકાશ મહેરાએ આ ગીત એક ફકીર પર ફિલ્માવ્યું છે. અને પછી રણવીરસિંહ કુંવરનો અનૌરસ દીકરો અમિતાભ (જે જાણે છે કે તે રણવીરસિંહનો દીકરો છે) તે આ ગીત ગાય છે.
ઈન્દ્રાણી મુખર્જીની એક ફિલ્મ હતી ‘ચાચા ભતીજા’. તેના નિર્દેશક હતા મનમોહન દેસાઈ અને લેખક હતા સલીમ-જાવેદ. આ સલીમ-જાવેદે તે વખતે નિર્દેશકો પર શું ભુરકી છાંટી હતી તે તો રામ જાણે પણ નિર્દેશકો ન માત્ર તેમની લખેલી કથા, પટકથા, સંવાદ બધા પર અનુમતિ આપતા પણ કલાકાર તરીકે કોને લેવા અને કોને ન લેવા તે બધું માનતા. ‘ચાચા ભતીજા’માં પણ એક ક્ષત્રિય રણવીરસિંહ તેજા (રહમાન)ની વાત છે. તેની પત્નીનું નામ સીતા (ઈન્દ્રાણી મુખર્જી) છે. રણવીરસિંહને તેનો કર્મચારી લક્ષ્મીદાસ મગજમાં ભરાવી દે છે કે સીતાને લફરું છે અને એટલે ગર્ભવતી હોવા છતાં સીતાને રણવીરસિંહ છોડી દે છે. બોલો ! આ કથા સાંભળી ‘રામાયણ’ની પાછળથી ઉમેરાયેલી કહેવાતી (પ્રક્ષેપિત) કથા દર્શકના મનમાં જીવંત થાય કે નહીં? અને એટલે ભગવાન શ્રી રામ પ્રત્યે આદર અને ભક્તિના ભાવના બદલે ઘૃણાનો ભાવ આવે.
રાજકુમાર સંતોષીએ ૨૦૦૧માં આવેલી ‘લજ્જા’માં તો ચોખ્ખું દર્શાવેલું અને તેમાં ત્રણેય પુરુષ પીડિત નાયિકાનાં નામો મા સીતા પરથી રાખેલા અને તેમાંય શ્રી રામલીલામાં સીતાજીનું પાત્ર ભજવતી જાનકી (માધુરી દીક્ષિત)ને સિગરેટ અને દારૂ પીતી, રસ્તા પર જાહેરમાં લઘુશંકા કરતી અને સીટી વગાડતી દેખાડી હતી. તેને તેનો પ્રેમી મનીષ લગ્ન પહેલાં ગર્ભવતી બનાવી દે છે અને પછી સ્વીકારતો નથી. આથી તે શ્રી રામલીલામાં સીતાજી તરીકે શ્રી રામનું પાત્ર ભજવી રહેલા મનીષ પર અંગત દાઝ ઉતારે છે, પરંતુ સંવાદો શ્રી રામ વિરુદ્ધ બોલે છે અને પછી હિન્દુવાદીઓ આક્રમણ કરે છે તેવું બતાવે છે. તમને ખબર છે કે મનીષને જાનકી વિરુદ્ધ કોણ ભડકાવે છે? નાટકનો નિર્માતા અને તેનું નામ શું છે? પુરુષોત્તમ ! પુરુષોત્તમની દુષ્ટ દૃષ્ટિ જાનકી પર હોય છે. તે પરણેલો હોવા છતાં જાનકીને પામવા ઇચ્છતો હોય છે. આથી તે મનીષને જાનકી વિરુદ્ધ ભડકાવી કહે છે કે જાનકીને કોના થકી સંતાન રહ્યું હોય તે કોને ખબર? બોલો !
આવું બીજા કોઈ પંથના આદરણીય પાત્રો સાથે થયું હોય તો? ઈશનિંદાના નામે આવા લોકોને જીવતા સળગાવી દે. પરંતુ હિન્દુઓ સહિષ્ણુ છે એટલે જ આવા પ્રયોગો ઉર્દૂવુડમાં થતા રહ્યા છે.
‘ચાચા ભતીજા’માં સીતાના દિયરનું નામ હતું શંકર અને તે તેની મા સમાન ભાભીને કાઢી મૂકવા બદલ તેના ભાઈને ધિક્કારે છે. તે નાનપણમાં ઘરેથી ભાગી જાય છે. શંકર મોટો થઈને શું બને છે? સિનેમાની ટિકિટ બ્લેક કરનારો ગુંડો ! તે દારૂડિયો પણ છે અને તેને મોટો કોણ કરે છે? એક ખ્રિસ્તી દયાળુ મહિલા- મિસિસ ડી સિલ્વા ! સીતાને ઘરેથી કાઢી મૂકાતાં તે આત્મહત્યા કરવાની હોય છે. ત્યારે તેને કોણ બચાવે છે? એક અપંગ નિર્ધન ગુલ ખાન. બચાવતો જ નથી, તેને પોતાના ઘરે પણ રાખે છે.
ધર્મેન્દ્રએ ‘રામ બલરામ’ ફિલ્મમાં રામ નામનું પાત્ર ભજવ્યું હતું. અને તે ચોર-સ્મગલર છે ! જ્યારે તે તેના ભાઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર બલરામ (અમિતાભ બચ્ચન)થી ભાગતો હોય છે ત્યારે એક સ્મગલર સુલેમાન તેની ગાડીમાં બેસે છે. રામ તેનું નામ જાણીને સામેથી ‘સલામ વાલેકુમ’ કહે છે ! સુલેમાન જ્યારે તેનું નામ પૂછે છે ત્યારે તે કહે છે, ‘ખૂબ જ ફાલતુ નામ છે. ભોલારામ’. તે પોતાનું સાચું નામ નથી કહેતો કારણ કે તેણે નામ છુપાવીને કામ કરવાનું હોય છે. પણ રામને સ્મગલર બતાવવો, ભોલારામ જેવા સારા નામને ફાલતું નામ કહેવાનું. ઉર્દૂવુડનો આ એજન્ડા વર્ષો પછી સફળ થયો. હવે લોકો ભગવાન-ભગવતીનાં નામ પરથી નામ પાડતાં નથી. તેઓ સાચે જ ફાલતુ નામ રાખવા લાગ્યા છે, જેનો કોઈ અર્થ ન થતો હોય.
નામની વાત નીકળી છે તો એ જાણવું રસપ્રદ રહેશે કે ફિલ્મોના ’૭૦-‘૮૦ના જમાનાના મહા નાયક અમિતાભ બચ્ચનનું નામ મોટા ભાગે શું રહેતું હતું? વિજય. વિજય નામ કોનું સ્મરણ અપાવે છે? સંજયનું ને? સંજય ગાંધીનો બોલિવૂડ પર કેવો અંકુશ હતો તે કહેવાની આવશ્યકતા નથી. કટોકટી વખતે ચેરિટીના નામે તેમના સંકેત પર વી.સી. શુક્લ વગેરે શા કરાવતા હતા અને કિશોરકુમાર જેવા જે કલાકાર ના પાડે તેનાં ગીતો પર આૅલ ઇન્ડિયા રેડિયો પ્રતિબંધ મૂકતું હતું અને આવકવેરાના દરોડા પણ પડતા હતા.
જો અમિતાભના મોટા ભાગનાં પાત્રોનું નામ વિજય હતું તો શાહરુખ ખાનના મોટા ભાગના પાત્રનું નામ શું હતું? તમને તરત જ શાહરુખ ખાનનો સંવાદ યાદ આવશે, ‘રાહુલ નામ તો યાદ હોગા.’ કહેવાની આવશ્યકતા ખરી કે રામાન્સના રાજા રાહુલનું પાત્ર કોંગ્રેસના કયા નેતાની સ્મૃતિ અપાવે છે?
માત્ર નામ જ શું કામ? ૧૯૮૫ની ‘લવર બાય’માં તો ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતું ગીત પણ હતું. આ ફિલ્મ (નહેરુ, ઈન્દિરા કે કોઈ વિપક્ષી નેતાની કથા પર આધારિત) કોઈ ચરિત્રાત્મક ફિલ્મ નહોતી કે તેમાં એવું દૃશ્ય આવી શકે કે ભારતના વડાપ્રધાનની હત્યા થઈ ગઈ. તેમાં તો જોડિયા ભાઈઓ એક પૈસાદાર છોકરીના પ્રેમમાં પડે છે તેની વાર્તા હતી. પરંતુ ફિલ્મમાં એવું દૃશ્ય ઘૂસાડાયું હતું કે રાજીવ કપૂર છાપાં વેચતી વખતે હેડલાઇન બોલે છે કે ભારત કી પ્રધાન મંત્રી કી હત્યા. અને પછી તનુજા મધ્યમવર્ગીય બાળકો અને મોટા લોકોની ઉપસ્થિતિમાં ઈન્દિરાજીની શોકસભા રાખે છે. તેમાં ગીત ગાય છે-
લુટા દી તુને દેશ કે ખાતિર જાન
ખોકે તુઝે અનાથ હો ગયા, સારા હિન્દુસ્તાન
માં તુને ઇસ ચમન કો, અપને લહુ સે સિંચા
હોને દિયા કભી ના, સર ઇસ વતન કા નીચા
અને આ બધા શબ્દો વખતે ઈન્દિરા ગાંધીના સાચા ફૂટેજ એટલે કે તેમના જીવનની ઝરમર દર્શાવતાં દૃશ્યો- તેઓ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોને મળતા હોય, તેઓ આદિવાસી સ્ત્રીઓ સાથે નૃત્ય કરતા હોય તે દર્શાવવામાં આવ્યા હતા. આ દૃશ્યો સરકારે જ પૂરા પાડ્યા હોય કેમ કે તે વખતે કોઈ ખાનગી ચેનલ નહોતી. સાશિયલ મીડિયા પણ નહોતું કે તેમાં આ વીડિયો સર્ક્યુલેટ થયા હોય. ૧૯૮૮માં આવેલી ‘કમાન્ડો’ ફિલ્મમાં પણ ઈન્દિરા ગાંધી (આશા શર્માએ આ ભૂમિકા ભજવી હતી)ને ભાષણ કરતાં બતાવ્યા હતા. અને તેમના પર જીવલેણ આક્રમણ થાય છે, પરંતુ સતીશ કૌલ પોતે ગોળી ઝીલી બલિદાન આપી આક્રમણ નિષ્ફળ બનાવે છે.
ઈન્દિરાજી એક આદરણીય વડાપ્રધાન હતા, તેમાં ના નહીં અને એટલે આવા દૃશ્યો બતાવાય તેની સામે વાંધો નથી, પરંતુ અત્યારે ‘ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ અને ‘ઉરીઃ સર્જિકલ સ્ટ્રાઇક’ જેવી ફિલ્મોને પણ જે ડાબેરી સમીક્ષાખોરો અને પત્રકારો, કલમઘસુઓ પ્રાપેગેન્ડા ફિલ્મ કહે છે તે આ બધી ફિલ્મોની ક્યારેય વાત નથી કરતા. એમાં તાજો ઉમેરો એ.આર. રહેમાનનો પણ છે. તેણે ‘છાવા’ ફિલ્મને વિભાજનકારી ફિલ્મ કહી. બોલો ! આ ફિલ્મ છત્રપતિ સંભાજી મહારાજની યથાર્થ વાત કહેતી ફિલ્મ છે. ઔરંગઝેબ કોઈ મહાન નહોતો. તેની સાચી વાત કહેવી એટલે ફિલ્મ વિભાજનકારી થઈ ગઈ?
હિટલરને લગભગ મોટા ભાગની ભાષાની ફિલ્મોમાં ખલનાયક દર્શાવાયો છે. ભારતમાં તો કાદર ખાન, અસરાની, શક્તિ કપૂર જેવા અનેક ખલનાયકો અને કામેડી પાત્રોને હિટલર જેવા ખાસ દર્શાવવામાં આવતા હતા, જેથી લોકોના મનમાં હિટલરની ખરાબ છાપ બરાબર ફિટ થઈ જાય.
જર્મનોએ ક્યારેય હિટલરને ખરાબ દર્શાવતી ફિલ્મને ‘ડિવિઝિવ’ નથી કહી. જર્મનો સ્વીકારી ચૂક્યા છે કે હિટલર સારો નહોતો પરંતુ ભારતના એ.આર. રહેમાન અને અસદુદ્દીન ઓવૈસી જેવા અનેક મુસ્લિમો મળી આવશે જેમને હજુય આક્રાંતા અને અત્યાચારી, લફરાબાજ, ક્રૂર, પોતાના સગા ભાઈ-બહેનોની હત્યા કરનાર, દીકરીની સાથે લફરું કરનાર મોગલ શાસકોને જરા પણ ખરાબ દેખાડાય, તેની કબર તોડવાની વાત કરવામાં આવે કે તેના નામના રસ્તાનું નામ બદલાય તો તેમને મરચાં લાગે છે. પેટમાં બળતરા ઉપડે છે.
આવા લોકોને એ પણ વાંધો નથી હોતો કે જૂની અને અત્યારની ફિલ્મોમાં કેવો-કેવો એજન્ડા બતાવાયો છે? દા.ત. સાવનકુમાર ટાંકની એક ફિલ્મ હતી ‘અબ ક્યા હોગા’. તેમાં હીરોનું નામ છે રામકુમાર સિંહા
(શતૃÎનસિંહા). તેને તેની પત્ની ચિત્રલેખા (નીતુસિંહ) એક ભૂત લાગે છે. તેના ઘરમાં મંદિરમાં માત્ર એક જ મૂર્તિ છે- સાંઈ બાબાની. રામકુમાર સિંહાને ભૂતથી પીછો છોડાવવા તેના પરિવારજનો એક સંત પાસે લઈ જાય છે ત્યારે રામકુમાર સિંહા પરિવારજનોને કારમાં બેસાડી લઈ તો જાય છે, પરંતુ બહારથી કહી દે છે કે તેને આ બધામાં કોઈ શ્રદ્ધા નથી.
પરંતુ ત્યાં જ એક ફકીર (જાનકીદાસ) આવે છે. તે દાન માગે છે અને રામકુમાર સિંહા તેને દાન આપે છે. એટલે કે મોટા ભાગની ફિલ્મોમાં નાયકને અશ્રદ્ધાળુ (નાસ્તિક) અથવા તો હિન્દુ હોવા છતાં ઇસ્લામ/ક્રિશ્ચિયાનિટીમાં શ્રદ્ધા રાખતો બતાવ્યો. અને ખલનાયકોને ચુસ્ત હિન્દુ બતાવ્યા. તેઓ સદા તિલક કરે. વાતે-વાતે ‘મા કાલી કી કસમ’, ‘ભવાની કી કસમ’, ‘હરે રામ’ એવું બોલે અને પૂજા કરી પછી ઠંડા કલેજે હત્યા કરી નાખે અથવા તેની પાસે આશ્રય માગવા આવેલી નિરાધાર સ્ત્રી પર બળાત્કાર કરે. આ રીતે હિન્દુને માનસિક રીતે અહિન્દુ કરી દેવાયો.
શતૃÎનસિંહાની એક બીજી ફિલ્મ ‘બુનિયાદ’, જેનું, ‘પુકારો મુઝે ફિર પુકારો’ ગીત ઘણું લોકપ્રિય છે, તેમાં બલબીરકુમાર સિંહા (શતૃÎનસિંહા) શુદ્ધ હિન્દી બોલે છે, પરંતુ તેને હત્યારો બતાવાય છે. જ્યારે તેને કારાવાસ થાય છે ત્યારે તેની નાની બહેન મુન્ની નિરાશ્રિત રહી જાય છે. એવા સમયે તેને આશ્રય કોણ આપે છે? તમે બરાબર કળી ગયા. એક મુસ્લિમ. જેમણે બલબીરને સજા કરી હતી તે મુસ્લિમ ન્યાયાધીશ જ મુન્નીને ઉછેરે છે. અને તેમને મુસ્લિમ બતાવવા માટે ‘દીવાર’ કે ‘અબ ક્યા હોગા’ની જેમ અશ્રદ્ધાળુ નહીં, ચુસ્ત નમાઝી બતાવાયા છે.
આ ફિલ્મમાં એક વેશ્યા (ફરયાલ)ને જ્યારે બલબીર નામ પૂછે છે ત્યારે તે પોતાનું નામ ‘રાધા’ કહે છે ત્યારે બલબીર શું કહે છે, જાણો છો? હું કન્હૈયા નથી. એટલે કે વેશ્યા રાધા તેને મદદના બદલામાં સહશયન કરવાનો પ્રસ્તાવ કરે છે ત્યારે તે કહે છે કે હું કંઈ કન્હૈયા જેવો નથી. વિચાર કરો, કૃષ્ણ ભગવાનની કેવી છાપ ફિલ્મોમાં ઊભી કરવામાં આવી? ‘રેડી’ ફિલ્મમાં અર્ધનગ્ન છોકરીઓ સાથે સલમાન ખાન ગીત ગાય છે, ‘કુડિયોં કા નશા પ્યારે સબ સે નશીલા હૈ, જિસે દેખો યહાં વો હુશ્ન કી બારીશ મેં ગિલા હૈ, ઇશક કે નામ પર કરતે સભી અબ રાસલીલા હૈ, મૈં કરું તો સાલા, કેરેક્ટર ઢીલા હૈ’. રાસલીલા કોની સાથે જોડાયેલો શબ્દ છે?
તમને યાદ હોય તો છાપામાં પહેલાં ઠગાઈ કે ચોરીના સમાચારમાં ચોર કે ઠગને મિ. નટવરલાલ કહેવાતો. આવું કેમ બનેલું ખબર છે? ‘મિ. નટવરલાલ’ ફિલ્મ. અમિતાભના પાત્રનું નામ નટવરલાલ છે, જે એક ઠગ-ચોર છે. આ ફિલ્મમાં એક ગામડાના લોકો વાઘ અને સ્મગલર વિક્રમ (અમઝદ ખાન)થી ત્રસ્ત હોય છે. આથી ગામનો મુખિયા (કાદર ખાન) એક દરગાહ પર જઈને બંદગીસભર ગીત ગાવા લાગે છે- કયામત હૈ, કયામત હૈ, યે કૈસી ગમ કી શામ હૈ. અને ગામવાળા પણ હિન્દુ હોવા છતાં દુઆની સ્ટાઇલમાં ગાવા લાગે છે. જોકે એટલો વળી પાડ કે આ જ ફિલ્મમાં ગીત રખાયું હતું કે ‘ઊંચી ઊંચી બાતોં સે કિસી કા પેટ ભરતા નહીં, રામ કા ભરોસા જિસે કભી ભૂખા મરતા નહીં’.
હિન્દુને હિન્દુ હોવા પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરતી આ બધી ફિલ્મો પ્રાપેગેન્ડાવાળી કે ડિવિઝિવ નહોતી, એ તો બધી અત્યારે બની રહેલી ફિલ્મો જ છે.
jaywant.pandya@gmail.com









































