સાવરકુંડલા શહેરમાં હિંસક હુમલાની ઘટના સામે આવી છે. ભાર રિક્ષા લઈને મજૂરીકામ અર્થે જઈ રહેલા બે શખ્સો પર રસ્તામાં કેટલાક શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. હેતલબેન દિપકભાઇ નગવાડીયા (ઉ.વ.૨૦)એ છનાભાઈ મકવાણા તથા શરદભાઈ ચિથરભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, તેઓ અને સાહેદ પોતાની ભાર રિક્ષા લઈને મજૂરી માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ રિક્ષામાં ચડી જઈને હુમલો કર્યો હતો. જેમાં મુખ્ય આરોપીએ તેમને જમણી આંખની ઉપર કપાળના ભાગે લાકડાના ધોકાનો જોરદાર ફટકો માર્યો હતો. આ હુમલામાં તેમને ગંભીર ઈજા થતા કપાળના ભાગે બે ટાંકા આવ્યા હતા. હુમલાખોરોએ આટલેથી ન અટકતા, રિક્ષામાં હાજર સાહેદને નાકના ભાગે ઢીંકાવાળી કરતા નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ બંને આરોપીઓએ ફરિયાદી અને સાહેદને ઢીકાપાટુનો આડેધડ માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓ જતી વખતે જો ફરીવાર સામે મળ્યા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ મામલે તેમણે આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એકબીજાની મદદગારી કરી ગુનો આચરનારા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.