સૂફી સંતો અને દાનવીરોની પવિત્ર ભૂમિ ગણાતા ચલાલામાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા નિર્મિત અદ્યતન ‘જુમ્મા મસ્જિદ’નું આજે રવિવાર, ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ ભવ્ય ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગની વિશેષતા એ છે કે, આ લોકાર્પણ સમારોહ આદરણીય શબીરબાપુના પ્રમુખ સ્થાને અને દાનમહારાજની જગ્યાના મહંત વલકુબાપુની ગરિમામય હાજરીમાં યોજાશે. મંદિર અને મસ્જિદના પ્રતિનિધિઓની એકસાથે ઉપસ્થિતિ ચલાલાની ‘ઘીંગી ધરા’ પર સામાજિક એકતાની સુવાસ ફેલાવશે. સવારે ૧૧ઃ૦૦ કલાકે આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા જમાતના પ્રમુખ હુસૈનભાઈ કાલીયા અને ઉપપ્રમુખ ઈકબાલભાઈ બેલીમ સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ મસ્જિદનું નિર્માણ ચલાલા પંથક માટે ગૌરવ સમાન છે, જેને લઈને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે.