યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત હરિબા મહિલા કોલેજ કેમ્પસ ખાતે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ત્રિવેણી સંગમ સમાન ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પૂજ્ય મોરારીબાપુ, પૂજ્ય સંત ડો. રતિદાદા અને મહેશભાઈ મહેતાના વરદ હસ્તે લોકકલા ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૬નો પ્રતિષ્ઠિત ‘કાનજી ભુટા બારોટ એવોર્ડ’ પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ, ઘનશ્યામભાઈ લખાણી અને ગોપાલભાઈ બારોટને અર્પણ કરાયો હતો. આ વર્ષથી શરૂ કરાયેલ મરણોત્તર એવોર્ડ સ્વ. નટુદાદા જોષીના પરિવારને એનાયત થયો હતો. તમામ કલા સાધકોને રૂ.૫૧,૦૦૦નો રોકડ પુરસ્કાર આપી નવાજવામાં આવ્યા હતા. પૂ. બાપુએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને નવા ભોજનાલય, પ્રાણી સંગ્રહાલય તથા સ્વિમિંગ પૂલનું ભૂમિપૂજન કર્યું હતું.







































