ગીર ગઢડા તાલુકામાં છેલ્લા છ દિવસથી અવિરત પણે કમોસમી વરસાદ વરસતા ખેતરો પાણીથી તરબોળ થયા છે અને ખેડૂતોએ ઉગાવેલ પાક પણ સંપૂર્ણ પણે નાશ પામ્યો છે. જેને લઈ તાલુકામાં સરકાર દ્વારા પાક નિષ્ફળ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ ગીર ગઢડા તાલુકાના ગામોમાં આ કામગીરીનો ખેડૂતો અને સરપંચોએ ભારે આક્રોશ સાથે બહિષ્કાર કર્યો છે.ગીર ગઢડા તાલુકાના ખેડૂતો દ્વારા ૨૫ ઓકટોબર અગાઉ પાક લણવામાં આવ્યો હતો. તે પાકના પાથરા ખેતરોમાં પલળી ગયા હતા તેમજ સોયાબીન, કપાસ સહિતનો પાક પણ કમોસમી વરસાદના કારણે પલળી ગયો છે. તેમજ આ મગફળી, સોયાબીન જેવો પાક યાર્ડોમાં વેચવા લાયક પણ રહ્યો નથી જેથી ગીર ગઢડા તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ખેડૂતોને હાલ તો ખેતીમાં ખરીફ તથા બાગાયત પાકોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. સરકાર દ્વારા ખેડૂતોના પાક નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે તે નિયમ પ્રમાણે સર્વે કરવામાં આવે તો અંદાજિત ૧૦% જેટલા ખેડૂતોને જ આ સહાય મળે તેમ છે અને બાકીના ખેડૂતોને અન્યાય થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.જેથી ગીર ગઢડા તાલુકાના ગામોના સરપંચો અને ખેડૂતોએ આજે બહોળી સંખ્યામાં એકઠા થઈ ગીર ગઢડા મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે કે તમામ ખેડૂતોના બાગાયતથી લઈને તમામ પાકોનું નુકશાન થયું છે અને કુદરતના કહેરથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે તેથી આવી પરિસ્થિતિમાં જગતના તાતની વેદનાને સરકારે સાંભળી કોઈ પણ પ્રકારના સર્વે કર્યા વગર ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી અંતમાં માંગ કરવામાં આવી હતી.ગીર ગઢડા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે. જેને લઈ ગીર ગઢડા આમ આદમી પાર્ટીના હોદેદારો પાર્ટીનો ખેસ પહેરી ખેડૂતો માટે આવેદન પત્ર આપવા આવ્યા હતા. ત્યારે અન્ય ગામોના ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાયા ન હતા અને આપ પાર્ટીના કાર્યકરે અન્ય સરપંચોને આવેદન પત્ર આપી દીધું છે. હવે આવો તેવું ફોન કરી જણાવતા અન્ય ગામના સરપંચો કચેરી બહાર હતા તે મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા. બાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોતાના ગાળામાં પહેરેલ ખેસ કાઢી નાખ્યો હતો.બાદમાં ગીર ગઢડા તાલુકાના તમામ ગામોના સરપંચો અને ખેડૂતો આવ્યા હતા અને નગડીયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિએ જણાવ્યું હતું કે, આ આવેદન પત્ર તમામ ખેડૂતોનું છે અને આમાં કોઈ પાર્ટીના હોય તો આવે જ નહીં.