જુનાગઢમાં ભવનાથમાં હાલ મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારી ચાલી રહી છે. મહાશિવરાત્રીના મહામેળાને આડે બસ હવે ગણતરીના દિવસો રહ્યા છે એ પહેલા જ ગિરનાર પર્વત પરના શિખરોની માલિકીનો વિવાદ ફરી સામે આવ્યો છે. ગિરનાર પર્વત પર જૈન સંપ્રદાયની ધજા ફરકાવતા સાધુ સંતોમાં રોષ ફેલાયો છે અને ધજા ફરકાવનારા બે લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે ગોરખનાથ ટૂંકના મહંત સોમનાથગીરી બાપુએ ફરિયાદ નોંધાવી છે. જેમા જૈન અનુયાયીઓ દ્વારા ઓઘડ શિખર પર અનઅધિકૃત હક સ્થાપિત કરવાનો આરોપ લગાવ્યો છે.
થોડા દિવસ પહેલા ગોરખનાથ અને દત્તાત્રેય ટૂંક વચ્ચે આવેલા ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવાઈ હતી અને સૂત્રોચ્ચાર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ઓઘડ શિખર પ્રત્યે નાથ સંપ્રદાયની વિશેષ આસ્થા જાડાયેલી છે. આ જગ્યા ગોરખનાથજીના દલિચાની જગ્યા હેઠળ રજીસ્ટર છે. ત્યારે નાથ સંપ્રદાયના સંતોમાં આ ઘટનાથી ભારે રોષ જાવા મળ્યો. અને તેમણે આ કૃત્યને સનાતન પરંપરા પર તરાપ ગણાવી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. સમગ્ર મામલે હવે ધજા ફરકાવનારા બે લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે સો. મીડિયા ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. એક તરફ જૂનાગઢમાં ભવનાથનો મેળો નજીક છે ત્યારે આ ઘટનાને પગલે તંગદિલીનો માહોલ સર્જાયો છે. ત્યારે મેળા વખતે જૈન અને હિન્દુ સંપ્રદાયમાં કોઈપણ પ્રકારનું વૈમનસ્ય ન ફેલાય તે માટે પોલીસ એક્શનમાં છે.