ગુજરાતના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર એક કરૂણ ઘટના ઘટી છે. ગિરનાર પર્વત પરની સીડી પરથી ખાડીમાં પડી જતા ૪૫ વર્ષના પુરુષનું મોત થયું છે. આ મૃતકનું નામ આશિષ દોષી હોવાનું સામે આવ્યું છે. હાલ આ આશિષ દોષીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અંગે હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ૪૫ વર્ષના આશિષ દોષી જૂનાગઢના ગિરનાર પર્વત પર ચઢી રહ્યા હતા. આ દરમિયાન તે થાક ખાવા માટે કે કોઈ અન્ય કારણે પાસેના પગથિયા પર બેસવા જતા અચાનક ખીણમાં ખાબક્્યા હતો. આ જોતા આસપાસના લોકોમાં હોબાળો મચી ગયો હતો.
જોકે, આ અંગેની જાણ થતા ડોલીવાળાઓએ મહામહેનતે ખીણમાંથી આધેડનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે બાદ ડોલીવાળાઓએ ભેગા થઈને તેમના મૃતદેહને પર્વત પરથી નીચે લઈ ગયા હતા. હાલ આધેડના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પહેલા ઓક્ટોબર, ૨૦૨૫માં પણ આવો બનાવ બન્યો હતો. એક યુવક ગિરનાર પર્વત પર ચઢાણ કરી રહ્યો હતો ત્યારે આ દુઃખદ દુર્ઘટના બની હતી. મૃતક યુવક સીડીના પગથિયાનો ઉપયોગ કરવાને બદલે પર્વતના ખરબચડા પથ્થર પરથી ચઢાણ કરી રહ્યો હતો. આ જાખમી પ્રયાસ દરમિયાન તે આશરે ૨૫૦૦ પગથિયાની ઊંચાઈએથી નીચે પટકાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકના માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.







































