તાપી જિલ્લામાં ગણેશ વિસર્જનની ભક્તિમય અને ઉત્સાહભરી માહોલ વચ્ચે એક લોહીયાળ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે…કુકરમુંડા તાલુકાના મોદલા ગામે બાપ્પાની વિસર્જન યાત્રા ચાલી રહી હતી.,,ડીજેના તાલે યુવકો ઝૂમી રહ્યા હતા, ભક્તિનો માહોલ હતો…પરંતુ આ જ ઉત્સાહ પળવારમાં માતમમાં ફેરવાઈ ગયો. ડાન્સ કરતી વખતે રાજપુર ગામના શંકર વળવીનો પગ આરોપી વિશાલ પાડવીના અંગૂઠા પર આવી ગયો.
પગનો અંગૂઠો દબાઈ જવાની નજીવી બાબતમાં બંને યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ…સંગીતના ઘોંઘાટ વચ્ચે ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો અને આરોપી વિશાલ પાડવી હિંસક બન્યો…વિશાલે જાહેરમાં જ શંકર વળવીનું ગળું દબાવી દીધું અને તેને બેરહેમીથી માર માર્યો…ગંભીર ઈજાઓ થવાના કારણે શંકર વળવીએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો અને વિસર્જન યાત્રામાં અફરાતફરી મચી ગઈ હતી.
હત્યાની ઘટનાને અંજામ આપીને હત્યારો વિશાલ પાડવી નાસી છૂટ્યો હતો.પરંતુ કુકરમુંડા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને ટીમ બનાવી શોધખોળ શરૂ કરી…આખરે લોકેશન ટ્રેસ કરીને પોલીસે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા મૌવલીપાડા ગામેથી હત્યારા વિશાલ પાડવીને કોર્ડન કરીને દબોચી લીધો છે..પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તો બીજી તરફ ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને જિલ્લામાં પોલીસ બંદોબસ્ત પણ સખત કરી દેવામાં આવ્યો છે.
ગણેશ વિસર્જનના પવિત્ર તહેવારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી મૂક્યો છે…સવાલ એ થાય છે કે આજનો યુવાન આટલો હિંસક કેમ બની રહ્યો છે? જ્યાં ભક્તિનો માહોલ હતો, ત્યાં પળવારમાં લોહી વહ્યું…નજીવી બાબતમાં લોકો હવે કોઈનો જીવ લેતા પણ અચકાતા નથી, તે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે…હાલ તો હત્યારો સળિયા પાછળ ધકેલાઈ ગયો છે, પરંતુ આ ઘટનાએ તહેવારના રંગમાં ભંગ પાડવાનું પાપ કર્યું છે, જે ક્યારેય માફીને પાત્ર નથી.