શિક્ષણની સાથે સંસ્કાર અને ધાર્મિકતાના સંગમ સમાન અમરેલીના શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ – વિદ્યાસભા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્‌યો છે. ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ વડોદરા ખાતે આયોજિત ‘મિશન રાજીપો’ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાસભાના પાંચ વિદ્યાર્થીઓએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી અમરેલીનું ગૌરવ વધાર્યું છે. આ વિદ્યાર્થીઓએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના ૩૧૫ શ્લોક કંઠસ્થ કરી તેનું મુખપાઠ કર્યું હતું. આ અદભૂત સિદ્ધિ બદલ તેમને “Largest simultaneous Hindu text recital” શ્રેણીમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં આ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ જેમાં પંડ્‌યા આરોહી વિપુલભાઈ, ડોબરિયા ક્રિત વિપુલભાઈ, પાણેરી ખુશી જીગ્નેશભાઈ, જાવિયા હીર દિનેશભાઈ, જાવિયા હર્ષિલ દિનેશભાઈએ ભાગ લીધો હતો. સંસ્થામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના શ્લોક અને યજ્ઞશાળા જેવી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા સાર્વાંગી વિકાસના પાઠ ભણાવવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખુંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય શાળાના શિસ્તબદ્ધ વાતાવરણ અને મેનેજમેન્ટના માર્ગદર્શનને આપ્યો હતો. આ સિદ્ધિ બદલ સમગ્ર અમરેલીના શિક્ષણવિદોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.