(૧) દેશી ઘંટી અને ઘરઘંટી વચ્ચે શું તફાવત?
રાજેશભાઈ ડણાંક (અમરેલી)
સાસુ દળે એ દેશી ઘંટી અને વહુ દળે એ ઘરઘંટી!
(૨) જીભના સ્વાદ અને મનના સ્વાદમાં શું અંતર?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
જીભનો સ્વાદ એટલે ભોજન, મનનો સ્વાદ એટલે ભજન.
(૩) ટ્રાફિક સિગ્નલ લાલ જ કેમ?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
તમે ખાતરી આપો કે ગુલાબી ટ્રાફિક સિગ્નલ રાખશો તો કોઈ નહી ભંગ કરે તો એ રાખીએ.
(૪) ફઇ મોટા કે ફઈબા?
જીગર યાદવ (ગુરુ) (દાત્રાણા-પાટણ)
બેય એકબીજાથી મોટા!
(૫) ઘડિયાળમાં કેમ બાર સુધી જ અંક હોય છે
માહીબેન ડણાક (અમરેલી)
ચોવીસ અંક રાખે તો છ કાંટા રાખવા પડે!
(૬) શિવરાત્રીમાં ભાંગ પીવાય કે ગાંજો..?
પરમાર સુભાષ ઘનશ્યામભાઈ (મોટા લીલીયા)
કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય એવું પીણું ગમે ત્યારે અને પોતાના જોખમે, કોઈ તહેવારને વચ્ચે લાવ્યા વિના પીવાય.
(૭) હસતા મોઢે રહેવા શું કરવું જોઈએ?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
બાજુમાં હોય એને ગલગલિયા કરવાનું કહો અથવા આ કોલમ વાંચો.
(૮) માથાના વાળને કાળા કરીએ તો પાછા ધોળા થઈ જાય છે. કોઈ ઉપાય બતાવોને?
શંભુ ખાંટ અનિકેત (પાટ્યો અરવલ્લી)
પ્રયત્ન ચાલુ રાખો. જેટલા વરસ કાળામાંથી ધોળા થતા લાગ્યા એટલા વરસ પ્રયત્ન કરશો એટલે ધોળા વાળથી ટેવાઈ જશો.
(૯) મારે ત્યાં પ્રસંગમાં તમને આમંત્રણ આપવું કે નિમંત્રણ આપવું?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
પ્રસંગની શુભકામના! માત્ર ભોજનનો સમય અને સ્થળ મોકલી દો.
(૧૦) હસતી પત્ની અને રડતી પત્નીમાં તમને કઈ પત્ની ગમે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
આમાં ઓપ્શન ન હોય ભાઈ!
(૧૧) સાહેબ..! બધા હાસ્યકલાકારના મિત્રોના નામ ભુરો, ભગો એવાં હોય છે તો હાસ્યલેખકના મિત્રોના નામ કેવાં હોય?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
ભૂરી, ભગી વગેરે!
(૧૨) ઘર્ષણ અને સંઘર્ષમાં શું તફાવત છે ?
કનુભાઈ પરમાર (દામનગર)
પહેલામાં ઘર્ષ આગળ છે અને બીજામાં ઘર્ષ પાછળ છે. ઘર્ષણમાં આગળ થશો તો સંઘર્ષમાં પાછળ રહી જશો.
(૧૩) મેં એવું સાંભળ્યું છે કે ભસતા કૂતરાં કરડે નહી. આ સાચું હશે? જય દવે (ભાવનગર)
મેં એવું સાંભળ્યું છે કે સાંભળેલું બધું સાચું હોતું નથી!
(૧૪) ગાળ અને ગોળમાં શું તફાવત?
રામભાઈ પટેલ (સુરત)
પ્રિય વ્યક્તિની ગાળ પણ ગોળ જેવી લાગે અને દુશ્મને ખવડાવેલો ગોળ પણ ગાળ જેવો લાગે.
(૧૫) વિશ્વશાંતિ જાળવવા હું શું કરી શકું એ સલાહ આપશો? દર્શન પટેલ (વડોદરા)
હું તમને લગ્ન ન કરવા એવી સલાહ ન આપી શકું!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..