ખેડા જીલ્લાના મહુધા તાલુકાના વડથલ રઈજીપુરા પાટિયા પાસે નડિયાદ-કપડવંજ હાઈવે પર સીએનજી રિક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં માતા અને પુત્રી બંનેના કરૂણ મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા.જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતની ઘટનાની જાણ થતાં મહુધા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક માતા પુત્રી વડથલ ખાતે ઉર્સમાંથી રીક્ષામાં પરત કપડવંજ જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. મહુધાના વડથલ રઈજીપુરા પાટિયા પાસે સીએનજી રીક્ષા અને મોટરસાયકલ વચ્ચે ભયંકર ટક્કર થવા પામી હતી, જેને લઈ રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. રીક્ષામાં સવાર મહિલા અને તેમની દીકરીનું મોત નિપજ્યુ હતુ. અકસ્માતને કારણે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. તેમજ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
પોલિસ સૂત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતની જાણ થતાં મહુધા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.આ અકસ્માતમાં ત્રણ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કઠલાલની કેરવેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતક માતા અને પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મહુધા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વિગતો મુજબ મૃતક ૩૮ વર્ષિય નશરીન બાનુ નવાબ બેગ મિર્ઝા તેમની ૧૩ વર્ષિય પુત્રી તમન્ના બાનુ નવાબ બેગ મિર્ઝા બંને રીક્ષામાં કપડવંજથી મહુધા તાલુકાના વડથલ ખાતે ઉર્સમાં આવ્યા હતા. જે ઉર્સમાંથી પરત કપડવંજ જઈ રહ્યા હતા તે દરમિયાન આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં માતા અને પુત્રીના કરૂણ મોત નિપજ્યા હતા. બનાવને પગલે પરિવારજનો સહિત પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.









































