સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા સબસિડીયુક્ત અનાજના કાળાબજારનો એક મોટો પર્દાફાશ થયો છે. તત્કાલીન મામલતદાર દ્વારા ડેડાણ-જાફરાબાદ રોડ પર પાડવામાં આવેલી એક રેઇડ દરમિયાન ગેરકાયદેસર રીતે લઈ જવાતો સરકારી ઘઉં અને ચોખાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મામલે સત્તાવાળાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તા. ૨૬/૦૫/૨૦૨૫ના રોજ તત્કાલીન મામલતદાર અને તેમની ટીમ દ્વારા ડેડાણ ગામે ડેડાણ-જાફરાબાદ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક મહેન્દ્રા બોલેરો ગાડીને અટકાવીને તેની તલાશી લેવામાં આવી હતી.ગાડીની તપાસ કરતા તેમાંથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબોને વહેંચવામાં આવતો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. મામલતદાર સહિતના સાહેદોની હાજરીમાં તંત્ર દ્વારા વાહન અને અનાજ સહિત કુલ રૂ.૭,૮૦,૨૩૧/- નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી ચૌહાણ હાજીભાઇ યુનુસભાઇ ઠે.મકરાણીપરા વિસાવદર મોટા પાસે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના ઘઉં અને ચોખાના પરિવહન, વિતરણ કે સ્ટોક રાખવા માટેનો કોઈ કાયદેસરનો પરવાનો કે અધિકાર પત્ર નહોતો. સમાજના નબળા અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોને રેશનકાર્ડ પર વિતરણ કરવા માટે અપાતો આ સબસિડીયુક્ત જથ્થો આરોપીએ ગેરકાયદેસર રીતે ખરીદ્યો હતો અને તેને બજારમાં સગેવગે કરવાની પેરવીમાં હતો.રેઇડ દરમિયાન આરોપી ખરીદ-વેચાણ કે સ્ટોક અંગેના કોઈ પણ આધારભૂત પુરાવા રજૂ કરી શક્યો ન હતો. સરકારી જાહેર વિતરણ વ્યવસ્થાને નુકસાન પહોંચાડી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરવા બદલ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.