અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં કોટડા પીઠાના દિવ્યાંગ વાલજીભાઈ ખુમાણે આત્મવિલોપનની ચીમકી આપતાં વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી. સાથળીની જમીન અથવા જંત્રીના દરે જમીન ફાળવવાના મુદ્દે તેઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા તેમણે આકરું પગલું ભરવાની ચીમકી ઉચ્ચારી હતી. વર્ષોથી પડતર રહેલા જમીનના પ્રશ્નનો તાકીદે ઉકેલ લાવવાની માંગ સાથે વાલજીભાઈ સીધા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને વાલજીભાઈને સમજાવી યોગ્ય ખાતરી આપી હતી. જેના પગલે આત્મવિલોપનનો કાર્યક્રમ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો હતો.