લાઠી-બાબરા-દામનગર વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની ખેડૂતલક્ષી રજૂઆતને મોટી સફળતા મળી છે. ગુજરાત સરકાર દ્વારા કૃષિ સાધનોની ખરીદી માટે આપવામાં આવતી સરકારી સહાય મેળવવાની નિર્ધારિત સમયમર્યાદામાં ૧૫ દિવસનો વધારો કરવામાં આવ્યો છે.ઓછી સમયમર્યાદાના કારણે રાજ્યના અનેક ખેડૂતો અરજી અને ખરીદીની જરૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી શકતા ન હતા. જેથી કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત ન રહે તે હેતુથી ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ રાજ્યના કૃષિમંત્રી સમક્ષ અસરકારક રજૂઆત કરી હતી. કૃષિ વિભાગે આ માંગણીનો સકારાત્મક સ્વીકાર કરીને મુદ્દતમાં વધારો કર્યો છે.આ નિર્ણયથી ટ્રેક્ટર અને અન્ય આધુનિક કૃષિ સાધનો ખરીદવા ઈચ્છતા ખેડૂતોને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પૂરતો સમય મળશે. ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતો રાજ્યની અર્થવ્યવસ્થાનો પાયો છે અને તેમને યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. આ સફળ રજૂઆત બદલ સમગ્ર વિસ્તારના ખેડૂતો અને કૃષિ આગેવાનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો છે.