હૃદયરોગના હુમલામાં ગઈકાલે રાત્રિના સુમારે અવસાન પામેલા ઉમરેઠ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ગોંવિદભાઈ પરમારનો નશ્વર દેહ આજે પંચમહાભૂતમાં વિલિન થઈ જવા પામ્યો છે.
આણંદ તાલુકાના ચિખોદરા ગામના જલાનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રા ગામમાં ફરીને કૈલાશ ભૂમિ ખાતે પહોંચી હતી. જ્યાં તેમના પુત્રો હર્ષદભાઈ અને અશોકભાઇ પરમારે તેમના નશ્વર દેહને મુખાગ્નિ આપ્યો હતો.
ગઈકાલે રાત્રિના સુમારે ગોવિંદભાઈ પરમાર આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન પામ્યા હતા. આજે સવારે તેમની અંતિમયાત્રા હોઇ સવારથી તેમના ચિખોદરા ગામના જલાનગર સ્થિત નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પોતાની સંગઠન ટીમ સાથે આવી પહોંચ્યા હતા અને તેમણે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ, ધારાસભ્યો વિપુલ પટેલ, યોગેશ પટેલ, ચિરાગ પટેલ, આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ સંજય પટેલ, અમુલ ડેરીના ડિરેક્ટર કાંતિભાઈ સોઢાપરમાર, આણંદ પાલિકાના પુર્વ ઉપપ્રમુખ મધુબેન ગોહેલ સહિત સૌએ પુષ્પાંજલિ અર્પીને ગોવિંદભાઈના અચાનક થયેલા અવસાન નિમિત્તે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગોવિંદભાઈ પરમારના બન્ને પુત્રો હર્ષદભાઈ અને અશોકભાઈને સાંત્વના આપી હતી. પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ તેમની અંતિમયાત્રા યોજાઈ હતી. એક મોટી ટ્રકમાં તેમના નશ્વર દેહને મુકવામાં આવ્યો હતો અને ગોવિંદભાઈ અમર રહો ના નારા સાથે સ્મશાનયાત્રા નીકળી હતી. જે ગામની સીમમાં આવેલી કૈલાશ ભૂમિએ પહોંચી હતી. જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અગ્નિદાહ અપાયો હતો.
આ ઉપરાંત કોંગ્રેસના પુર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, આણંદ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ નટવરસિંહ મહિડા, આણંદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઈ પઢિયાર, કેડીસીસી બેંકના ડિરેક્ટર મહેન્દ્રસિંહ પરમાર સહિત કોંગ્રેસના નેતાઓ પણ અંતિમયાત્રામાં જાડાયા હતા. ભરતસિંહ સોલંકીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું હતુ કે, ગોવિંદભાઈ પરમારના જવાથી આ વિસ્તારને એક મોટી ખોટી પડશે, બે દિવસ પહેલા જ સરકીટ હાઉસ ખાતે થયેલી મુલાકાતને યાદ કરીને ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ના અવસાન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ગોવિંદભાઈ પરમારના અવસાનના સમાચારથી દુઃખ થયું. સમાજલક્ષી કાર્યો પ્રત્યે તેઓ હંમેશા તત્પર અને સમર્પિત રહ્યા હતા.સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના તથા સદગતના પરિવારને હાર્દિક સાંત્વના… ઓમ શાંતિ








































