ઉના-ભાવનગર નેશનલ હાઈવે પર રામેશ્વર પાટિયા નજીક ગત રાત્રિએ કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કોડીનારનો કિશન ભૂતભાઈ સોરઠિયા અને ભાચા ગામનો ભાવેશ બાવજીભાઈ સોરઠિયા (ઉં. ૩૦) પરિવારમાં સગાઈના પ્રસંગે મીઠું મોઢું કરીને પરત ફરી રહ્યા હતા. રામેશ્વર પાટિયા પાસે રોંગ સાઈડમાં આવી રહેલા તેમના બાઈક અને ઈકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કરમાં કિશન સોરઠિયાનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે તેના ભાઈ ભાવેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ખુશીના પ્રસંગમાંથી પરત ફરતા કાકા-બાપાના ભાઈઓને નડેલા આ અકસ્માતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.







































