ઉત્તર પ્રદેશનો પરિવાર સોમનાથ મંદિરના દર્શન પૂર્ણ કરી ઓટો રિક્ષામાં દીવ તરફ જઈ રહ્યો હતો.
દરમિયાન કેસરિયા ગામ પાસે કારચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવતા બેકાબૂ કારે આગળ જતી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને રિક્ષા બંને રસ્તાની સાઈડમાં પલટી ગયા હતા. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વાહનોમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ૧૦૮ને જાણ કરાતા ઉના અને ડોળાસાની ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઘાયલોને ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં પૂનમ શર્મા, લજ્જાવતી દેવેન્દ્રસિંહ, સુનિલ શર્મા, સાત વર્ષીય અર્પિત રાઘવ, અનિતા શર્મા, સરિતા શર્મા અને માનસિંગભાઈ સહિત સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાહનો હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









































