અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ઈરાને આજે મધ્ય પૂર્વીય દેશો પર મોટો હુમલો કર્યો. મધ્ય પૂર્વમાં યુદ્ધના વધતા સંકટ વચ્ચે, ઓસ્ટ્રેલિયાએ એક મોટો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે તે ઈરાનમાં કોઈપણ લશ્કરી કાર્યવાહીમાં ભાગ લેશે નહીં અને સંઘર્ષ વધવાની સ્થિતિ માં મધ્ય પૂર્વમાં સૈનિકો તૈનાત કરવાનો ઇનકાર કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાનું આ નિવેદન ઇઝરાયલે તેહરાન પર નવા હુમલા કર્યા બાદ આવ્યું છે, જેના જવાબમાં ઈરાને શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલા કર્યા છે. દરમિયાન, ઈરાને આજે ફરી મધ્ય પૂર્વીય દેશો પર હુમલો કર્યો છે. આ હુમલાઓથી કુવૈત, બહેરીન, દુબઈ અને સાઉદી અરેબિયામાં વ્યાપક ગભરાટ ફેલાયો છે. કુવૈતમાં યુએસ દૂતાવાસ પર સીધો હુમલો કરવામાં આવ્યો હતો, અને દૂતાવાસમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. થોડા સમય પહેલા ઈરાને બહેરીનમાં યુએસ ફિફ્થ ફ્લીટના મુખ્યાલયને પણ નિશાન બનાવ્યું હતું. ઈરાકના એર્બિલમાં પણ એક શકિતશાળી હુમલો થયો હતો.
ઈરાનના હુમલા બાદ સાઉદી અરેબિયાએ એક નિવેદન જારી કર્યું છે. સાઉદી અરેબિયાએ સંકેત આપ્યો છે કે તે ઈરાન સામે બદલો લેશે નહીં અને ગલ્ફ દેશોને આવી કાર્યવાહીથી દૂર રહેવાની અપીલ પણ કરી છે. સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદે ગલ્ફ દેશોને ચેતવણી આપી છે કે ઈરાન અથવા તેના સાથીઓ તરફથી બદલો લેવાનું કારણ બને તેવી કોઈપણ કાર્યવાહી ટાળે.
આ દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની લશ્કરી અધિકારીઓને શરણાગતિ સ્વીકારવાનું આહ્વાન કર્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સામે લશ્કરી અભિયાન તેના બધા ઉદ્દેશ્યો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે બદલામાં, તેઓ સંપૂર્ણ સુરક્ષા ગેરંટી આપશે.







































