અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલી ફાયરિંગની ઘટના બાદ, ‘ફેડરેશન ઓફ સિને એમ્પ્લોઈઝ’ના પ્રતિનિધિ બી.એન. તિવારીએ ફિલ્મ સ્ટાર્સની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે શૂટિંગ લોકેશન પર હાજર રહેનાર દરેક વ્યક્તિની ઓળખ સુનિશ્ચિત થવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો કોઈ બહારનો વ્યક્તિ ભીડમાં ભળી જાય અને કોઈ કલાકાર પર ગોળીબાર કરે, તો તેની સીધી જવાબદારી નિર્માતા અને તેમને શૂટિંગમાં લાવનાર ટીમની રહેશે. તિવારીએ ભારપૂર્વક કહ્યું કે ઉદ્યોગે એવું વાતાવરણ બનાવવું જોઈએ જ્યાં કલાકારો ભય વિના કામ કરી શકે.
આ ઘટના બાદ ફેડરેશને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્ર સરકારને પત્ર લખીને સુરક્ષા વધારવાની માંગ કરી છે. બી.એન. તિવારીએ જણાવ્યું કે, “આવી ઘટનાઓમાં એક પણ કલાકારનું નામ જોડાય તે અમારા માટે ખૂબ જ ગંભીર બાબત છે. અગાઉ અમે સલમાન ખાન અંગે વિવિધ અફવાઓ સાંભળતા હતા, પરંતુ ટાઈગર શ્રોફ સાથે ઘટેલી ઘટનાથી મામલો વધુ ગંભીર બન્યો છે. ટાઈગર પોતાના કામમાં વ્યસ્ત રહે છે, તેનો કોઈ વિવાદ નથી. આમ છતાં તેના પર ગોળીબાર થયો. આ માત્ર ધાકધમકી નથી, પરંતુ હત્યાના પ્રયાસ જેવો ગંભીર ગુનો છે.”
તેમણે ઉમેર્યું કે ફિલ્મ સિટી અને અન્ય શૂટિંગ સ્થળોએ દરરોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. નિર્માતાઓએ માત્ર ઓળખ ધરાવતા અને પ્રમાણિત લોકો સાથે જ કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે રોહિત શેટ્ટીના ઘરે થયેલું ફાયરિંગ હોય કે અમિતાભ બચ્ચનના બંગલે ધમકીભર્યો પત્ર મળવાની વાત હોય, આવી ઘટનાઓથી ઉદ્યોગમાં ભયનું વાતાવરણ ઊભું થાય છે. કેટલીક ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે ફિલ્મ ઉદ્યોગ મુંબઈથી ઉત્તર પ્રદેશ સ્થળાંતર કરશે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અને પોલીસ તાત્કાલિક કાયમી પગલાં ભરીને કલાકારો અને ટેકનિશિયનોમાં રહેલો ડર દૂર કરે, જેથી દરેક વ્યક્તિ મુક્તપણે પોતાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરી શકે.












































