અમરેલીની ઓક્સફર્ડ સ્કૂલે પ્રખરતા કસોટી, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં પોતાનું નામ રોશન કર્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત પ્રખરતા કસોટીમાં રાજ્યના શ્રેષ્ઠ ૧૦૦૦ વિદ્યાર્થીઓની યાદીમાં ઓક્સફર્ડ સ્કૂલના ૧૩ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી શાળાની શૈક્ષણિક ગુણવત્તાનો પરિચય આપ્યો છે. આ પરીક્ષામાં શાળાનો વિદ્યાર્થી ભટ્ટ હેત કમલકાંત ૯૯.૯૯ પી.આર. સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયો છે, જે એક અત્યંત ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણાય છે. માત્ર પ્રખરતા કસોટી જ નહીં, પરંતુ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (જીજીઈ) માં પણ ભટ્ટ હેતે ૧૧૦ ગુણ મેળવીને રાજ્ય કક્ષાએ ફરી એકવાર બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સિવાય અમરેલી જિલ્લાના મેરિટ લિસ્ટમાં પણ ઓક્સફર્ડ સ્કૂલનો દબદબો જોવા મળ્યો છે, જેમાં પ્રથમ ચાર ક્રમે ભટ્ટ હેત, દવે ઓમ, કાપડીયા વંશ અને સગાળકા જેનીશ જેવા આ સંસ્થાના જ વિદ્યાર્થીઓ રહ્યા છે. આ પરિણામો વિદ્યાર્થીઓની સખત મહેનત અને શાળાના યોગ્ય માર્ગદર્શનનો પુરાવો આપે છે. સાથોસાથ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ઁજીઈ) માં ભાલોડીયા દેવર્ષે ૧૦૧ ગુણ મેળવી અમરેલી તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાની સફળતામાં વધુ એક છોગું ઉમેર્યું છે. આમ, ત્રણેય પરીક્ષાઓમાં ઓક્સફર્ડ સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરીને સાબિત કરી દીધું છે કે સંસ્થા ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરૂ પાડવામાં અગ્રેસર છે.








































