ગુજરાત વિધાનસભામાં અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ જિલ્લામાં બે વર્ષમાં જંગલી પશુના કારણે પશુધનના મારણના કિસ્સા અને વળતરનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે વિધાનસભામાં પૂછ્યું કે, ૩૧-૦૧-૨૦૨૫ની સ્થિતિએ અમેરલી જિલ્લાના ગીર વિસ્તારમાં માલધારીઓ અને ખેડૂતોના કિંમતી પશુઓને સિંહ, દિપડા કે અન્ય જંગલી પ્રાણી દ્વારા કરવામાં આવતી ગંભીર ઈજા કે મૃત્યુના પ્રસંગે પશુદીઠ તેના માલિકને કેટલી સહાય આપવામાં આવે છે અને બે વર્ષમાં કેટલા પશુ માલિકોને કુલ કેટલી સહાય ચૂકવવામાં આવી?
જેનો જવાબ આપતા વન મંત્રીએ જણાવ્યું, જંગલી પ્રાણી દ્વારા કરવામાં આવતી ગંભીર ઈજા કે મૃત્યુના કેસમાં પશુદીઠ તેના માલિકોને વિવિધ સહાય ચૂકવવામાં આવે છે. ગાય-ભેંસમાં રૂપિયા ૫૦,૦૦૦, ઊંટમાં રૂ. ૪૦,૦૦૦, ઘેટા-બકરામાં ૫૦૦૦ સહાય ચૂકવવામાં આવે છે. બિન દૂધાળા પશુ જેવાકે ઊંટ, ઘોડા અને બળદ વગેરેમાં ૨૫,૦૦૦ તથા પાડો, પાડી, વાછડી, ગધેડો વગેરેમાં ૨૦,૦૦૦ સહાય ચૂકવવામાં આવે છે.
૦૧-૦૧-૨૦૨૩ થી ૩૧-૧૨-૨૦૨૩ સુધીમાં ૯૨૦ પશુમાલિકોને રૂ ૬૯,૯૧,૧૭૦, ૦૧-૦૧-૨૦૨૪ થી ૩૧-૧૨-૨૦૨૪ સુધીમાં ૯૬૫ પશુમાલિકોને ૬૯,૩૯,૯૪૬ અને ૦૧-૦૧-૨૦૨૫ થી ૩૧-૦૧-૨૦૨૫ સુધીમાં ૮૧ પશુમાલિકોને રૂ. ૫,૪૯,૭૦૦ મળી કુલ ૧૯૬૬ પશુમાલિકોને રૂ. ૧,૪૨,૮૦,૮૧૬ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.








































