અમરેલીમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને જમવા બોલાવવાની બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ ઝગડો થયો હોવાની ઘટના સામે આવી છે. દીકરીએ પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવા છતાં તેને જમવા કેમ બોલાવી, તેવું મનદુઃખ રાખીને ચાર શખ્સોએ એક પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લલીતાબેન શંભુભાઈ પરમાર (ઉ.વ ૩૦)એ નારણભાઈ માવી, રૂમાલસિંહ ગણાવા, નિલેશભાઈ તથા દહેશભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે ભાગીને લગ્ન કરનારી નારણભાઈ માવીની દીકરીને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા હતા. પોતાની દીકરીને જમવા તેડવાનું પાડોશીનું આ પગલું આરોપી પિતાને ગમ્યું નહોતું. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓ તેના ઘરે આવ્યા હતા અને બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેમણે ગાળો આપવાની ના પાડી, ત્યારે ચારેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈને શરીરે અને મોઢાના ભાગે ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.