અમરેલી તાલુકાના સરંભડા ગામ નજીક શેત્રુંજી નદીના પટમાંથી ગેરકાયદે રેતી ભરીને જઇ રહેલ એક ડમ્પરને ગ્રામજનોએ પકડી પાડ્યો હતો. બાદમાં ગ્રામજનોએ ડમ્પરને ખાણ ખનીજ વિભાગની ટીમને સુપરત કર્યો હતો. આ બનાવ બાદ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા છે. શેત્રુંજી નદીમાં લાંબા સમયથી ગેરકાયદે રેતી ખનન થતુ હોવાની ફરિયાદો વારંવાર સામે આવતી રહી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે વિભાગની નજર સામે મોટા વાહનો દ્વારા રેતીની ચોરી ચાલતી રહે છે. કલેક્ટર દ્વારા અનેક વખત કડક કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઇ હોવા છતાં અસરકારક કામગીરી થતી નથી તેવી ચર્ચા છે. વિભાગ દ્વારા નાના વાહનો સામે કાર્યવાહી થાય છે પરંતુ મોટા ડમ્પરો સામે પૂરતી કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.









































