આપણે ત્યાં સંયુક્ત કુટુંબની પરંપરા હતી. પરંતુ એ વ્યવસ્થા એક વખત એવી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ કે ઘરના મોભી ડેલીની અંદર પગ મૂકે પછી કોઈથી કંઈ બોલાય નહીં. આપણા સંયુક્ત કુટુંબો ભાંગવાનું એક કારણ એ છે કે વડીલોને એટલું બધું સન્માન આપવામાં આવ્યું કે નવી પેઢીના પંખીઓને ઉડવા માટેના આકાશ કે અવકાશ ઘરમાં તો મળે જ નહીં. એ માટે એણે ક્યાંક બહાર જવું પડે. આપણે એવા પણ દંપતીઓ જોયા છે કે જેમને વાતો કરવાનો મોકો તો તેઓ બહાર નીકળે ત્યારે જ મળે. ઘરમાં તો એક શબ્દ પણ બોલી શકાય નહિ. ને વડીલો વાત કરતા હોય ત્યારે દીકરા ને વહુથી તો વચ્ચે બોલાય જ નહીં એટલે કે પોતાના વિચારો પણ અભિવ્યક્ત કરાય નહીં. આટલો બધો જાપ્તો રાખવામાં અને રાખવામાં આપણા પરિવારો ભાંગવા લાગ્યા અને એમાંથી જ પછી વિભક્ત કુટુંબો અસ્તિત્વમાં આવ્યા.

કેટલીક શીતળતાઓ આ સંસારમાં એવી છે કે એનો અનુભવ સંયુક્ત કુટુંબમાં આપડે રહેતા હોઈએ તો જ થાય. કેટલાક દુઃખ એવા છે કે એ વિભક્ત કુટુંબ પર પડ્યા વગર ન રહે. સંસારમાં કેટલાક સંયોગો એવા હોય છે કે એમાંથી પાર ઉતરવા માટે વડીલોની હૂંફ જરૂરી છે. જૂની ગુજરાતીમાં કહેવત છે કે બાળપણમાં જેના માતાપિતા ધામમાં જતા રહે એને દશેય દિશાના વા વાય. એટલે કે એને ચારેબાજુની આપત્તિનો આજીવન સામનો કરવો પડે. સામાન્ય રીતે વહુઆરુઓ પર એવો આક્ષેપ કરવામાં આવે છે એમને વિભક્ત કુટુંબમાં રહેવું હોય છે. સાસુ – સસરા સાથે ફાવતું નથી. પરંતુ આ વાત સાચી નથી. દીકરાઓને પણ અલગ જ રહેવું ગમે છે કારણ કે તેઓ પોતાના માબાપનો સ્વભાવ જાણતા હોય છે.

એક જ ગામમાં માતા પિતા હોવા છતાં જે લોકો જુદા રહે છે એનો અર્થ એ નથી કે તેઓ તેમના વડીલોને ચાહતા નથી પરંતુ કેવો એકાંત માણવા ચાહે છે જેનાથી તેમની જિંદગી ને થોડીક નિંરાતની ક્ષણ મળે. સામે પક્ષે વડીલોને પણ એવું જ છે કે નિવૃત્તિ પછી એમને વિશ્રામની જરૂર હોય છે. એ વિશ્રામ કદાચ દીકરો ને વહુ ને એમનાય સંતાનો ન પણ આપી શકે. આ સંયોગોમાંથી સેમી સંયુક્ત કુટુંબો અસ્તિત્વમાં આવ્યા છે. સમજણપૂર્વક વડીલો અલગ રહે પણ માયા મૂકે નહિ. સતત એકબીજાને ત્યાં આવતા-જતાં રહે. વાટકી વહેવાર સતત ચાલુ. આ સ્વરૂપ ગુજરાતીઓમાં સર્વસ્વીકૃત બનતું જાય છે. પરંતુ એથી કંઈ સંયુક્ત કુટુંબની પરંપરા સાવ તૂટી નથી.

પાટનગર નવી દિલ્હીમાં તો પોતાના વિઝિટિંગ કાર્ડમાં કે પરિચયમાં ઉત્સાહથી ઉલ્લેખ કરવામાં આવે છે કે અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. અને આમ પણ આ યુગમાં જોઈન્ટ ફેમિલીમાં રહેવું એ આસાન તો નથી. જ્ઞાતિ-જાતિ અને ધર્મ-સંપ્રદાયની રીતે જુઓ તો આપણો દેશ આ દુનિયામાં એક મહાન જોઈન્ટ ફેમિલી જ છે. સંયુક્ત કુટુંબમાં બીજા કૌટુંબિક સભ્યોની નજરે પરિવારને જોવાનું હોય છે. એટલે કે પહેલે આપ-પહેલે આપ જેવી પોલિસી રાખવાની હોય છે. સવારે બાથરૂમથી શરૂ કરીને ભોજનની થાળી સુધીના અગ્રતાક્રમો બીજા સભ્યોને ધ્યાનમાં રાખીને નક્કી કરવાના હોય છે. સંયુક્ત કુટુંબમાં સુખદુઃખ સહિયારા હોય છે. એટલે દુઃખ ઘટે છે અને સુખ વધે છે.

જેઓ સંયુક્ત કુટુંબમાં હોય તેઓ તો લગભગ જાણતા જ હોતા નથી કે દુઃખ કોને કહેવાય. એની એ મઝા છે. જિંદગીનો પરિતાપ એવા ઘરના ઉંબરમાં પ્રવેશતો જ નથી. પણ એવા સુખની કદાચ આજના જમાનાને જરૂર નહિ હોય. દુઃખ પણ મારા અને સુખ પણ મારા એમ માનનારો એક અલગ પ્રકારનો વર્ગ છે. જુના જમાનાના સંયુક્ત કુટુંબોની મરજાદ બહુ ઊંચી હતી પણ ઘરમાં જેને ઉપાધિ કહેવાય એવું તો કંઈ હતું જ નહિ. એક જ કોઈની જાર એક જ ઘંટલે દળાતી ને એક જ ચૂલે એક જ તાવડીએ એના રોટલા ઘડાતા એટલે આખા પરિવારના મન એક જ હતા. ભાયુંભાગની જમીનનો તો કોઈને વિચાર જ આવતો નહિ. એના પછી એ જમાનો આવ્યો કે થોડાક ભણે ને થોડાક છોકરાવ ખેતી કરે. પછીનો સમય તે આજનો છે કે સહુ શહેરમાં રહે ને મજૂરો ખેતી કરે. એને ભાગવી ખેડ્યનો જુગ કહેવાય. જાત મહેનત હવે ક્યાંક જ જોવા મળે.

સંયુક્ત કુટુંબ હોય કે વિભક્ત કુટુંબ અને જેટલા પણ સભ્યો હોય, પરિવારના અન્ય સભ્યોની બધી વાતોમાં ઘરના મોભીઓએ માથું મારવાની જરૂર નથી. પંચાત કરવાની ટેવ આમ પણ સારી નથી. તમને જાણ કરવાની જ્યાં જરૂરી હશે એમાં સામેથી જાણ કરવામાં આવશે. બધું પૂછપૂછ કરવાની જરૂર નથી. કેટલાક લોકોને ટેવ હોય છે. આપણો ફોન પૂરો થાય કે તરત પૂછે – કોનો ફોન હતો? પૂછવામાં આમ તો કંઈ વાંધો નથી. પણ ખાતરી રાખો કે જરૂરી હશે તો તમને કહેવામાં આવશે. કેટલાક લોકો તો પોતાના વેપારધંધા કરતાંય ઘરની પંચાતમાં જ ઉલઝનમાં રહે છે. તેમના શ્રીમતી પણ એવા જ હોય છે. પેલા સજ્જન સવારમાં ઉઠે કે તરત કહે કે બાનો ફોન હતો… ને કહેતા હતા કે…. પછી એ પારાયણ લાંબી ચાલે. વિભક્ત કુટુંબ વર્ચ્યુઅલિ એક મિનિટમાં સંયુક્ત થઈ જાય. માડીને પણ ટેવ હોય ગામડે બેઠા બેઠા તરંગો હાંકવાની. પછી રંગ જામે. વહુમાં પિયરથી કરિયાવરમાં લાવેલું ડહાપણ હોય તો… હા બા…. હા બા… એમ કહેતા રહીને વાતને થાળે પાડે નહિતર નંઈ જેવી વાતનું વતેસર થાતા વળી વાર શી ?

માત્ર ઘરમાં જ નહિ, ઓફિસમાં કે વ્યાપાર – ઉદ્યોગના સ્થળે બીજાની વાતોમાં બહુ માથું મારવા જેવું નથી. પોતાની આધિ-વ્યાધિમાં કંઈ ન ઘટતું હોય તોય બીજાની પંચાતમાં કલાકો પસાર કરનારા લોકો છે. ખરેખર એટલો સમય જો તેઓ પોતાના કામકાજમાં આપે તો ઉદ્ધાર થઈ જાય. અડધી મંદી તો આવા અકર્મક પંચાતિયાઓને કારણે આવતી હોય છે. આ જમાનો બહુ આગળ વધતી અંગતતાનો છે. તમે બીજાઓને જેટલી સ્વતંત્રતા આપો એટલા તમે સારા માણસ ગણાઓ છો. અને બીજાઓની ક્યાં વાત કરવી ? આપડે પોતાની ભીતર જ જોઈએ તો ખ્યાલ આવે કે આપડી પંચાત કોઈ કરે તો ગમે છે ? આપડને સ્વતંત્રતા કેટલી વહાલી છે ? એક રમકડા જેવો સાવ સામાન્ય ફોન પણ લોકો ઘરમાં રેઢો મૂકતા નથી. એલા ઘરમાંય ફોનનું ધ્યાન રાખવું પડે ? તો એને ઘર કહેવાય ? આમ જ કેટલાક લોકો પોતાના ઘરમાં રહેવાની લાયકાત પણ ગુમાવી દે છે. કડવું ભલે લાગે પણ સત્ય તો છે જ. આ તો પોરબંદરના વાણિયા જેવું સત્ય છે. એલા ઘરમાં તો ઘરના થઈને રહો. કે એય કેવું પડશે ?

અડતો નહિ હો, તારા પપ્પાનો ફોન છે. દરેક ઘરના સંતાનો આ સાંભળી ચૂક્યા છે. પપ્પાનો ફોન એટલે વળી શું ? બાપના ફોન પર છોકરાઓનો તો જન્મસિદ્ધ હક્ક આહે. એ તો એના બાપનો ફોન છે. પણ એનાથીય પોતાની અંગતતાને જો તમે આઘી રાખવા ચાહતા હો તો સમજી લો કે બધા જ આમ ચાહે છે. તમે એકલા નહિ. માટે બીજાઓની અંગતતાનો રિસ્પેક્ટ કરો. આ લાગે છે તો સાવ સામાન્ય પણ આજકાલ એમાંથી જ અસામાન્ય મતભેદો સપાટી પર આવતા હોય છે. ઘર સિવાય પણ કંપનીઓમાં ભાગીદારો વચ્ચે મતભેદ થતા હોય છે. કોઈનાથી કંઈ ખાનગી રાખવું પડે એવું જીવન કંઈ ધારણ કરવા જેવું નથી. એ આજે નહિ તો કાલે જાહેર થતું જ હોય છે. આ જગતમાં એક રીતે જુઓ તો કંઈ ખાનગી છે જ નહિ. જે નિજાનંદી છે તે સહુથી વધુ સુખી છે. જેને કોઈનીય પંચાતમાં તલભાર પણ રસ નથી. આયુષ્ય આપડે માનીએ એનાથી સદાય ઓછું હોય છે. આપડી પાસે પોતાના કામના જ ઢગલા હોય છે. તો પારકી પંચાતને શા માટે આપડી દિનચર્યામાં એડમિટ કરવી ? એયને વણપંચાતે લીલ્લાલહેર નો કરીયે…!