(૧)ગામડામાં સવારે મોર અને બીજા પક્ષીના અવાજો સંભળાય જયારે શહેરમાં?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
મોર અને પક્ષીને ગામડામાં મૂકી શહેરમાં આવેલા લોકોના.
(૨)તમે ભુલા પડ્‌યા છો?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
તમને જડ્‌યો છું?
(૩) માન રાખ્યું કોને કહેવાય?
રામભાઈ પટેલ (સુરત)
ઘરમાં બે ઘડિયાળ હોય, એકમાં સવા નવ અને બીજીમાં પોણા દસ વાગ્યા હોય અને તમે સાડા નવ વાગ્યા એવું માનો એને બન્નેનું માન રાખ્યું કહેવાય.
(૪)પગથિયા ઉપર ચડવા માટે હોય છે કે નીચે ઉતરવા માટે?
દર્શન પટેલ (વડોદરા)
આવું લાંબુ લાંબુ વિચારવા માટે.
(૫) મુઝે નીંદ ન આયે, મુઝે ચેન ન આયે.. આવું ક્યારે થાય?
રમાબેન પટેલ (અમદાવાદ)
બે દાંત વચ્ચે કંઈક ફસાઈ જાય ત્યારે.
(૬)હેડકી આવે છે. કોણ યાદ કરતું હશે?
નીરવ ડણાંક (અમરેલી)
ફોન કરી પૂછી જુઓ. લગભગ તો તમે જે ધારો છો એ જ હશે.
(૭)પત્નીને ‘એપ્રિલ ફૂલ’ કઈ રીતે બનાવાય?
કનુભાઈ પરમાર (દામનગર)
‘તમે સુંદર છો’ એમ કહીને.
(૮) કેટલાક શિક્ષકને વર્ગમાં જવાનું ગમતું નથી તો તેમને ક્યાં મોકલવા?
કમલેશ મકવાણા (બોડેલી )
મેદાનમાં.. લીમડાના છાંયે ભલેને ભણાવતા.
(૯)ગેસના બાટલાની વ્યવસ્થા હાસ્ય કલાકારોને સોંપે તો તમે તમારા વાચકો માટે રાખશો?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
અમારી પાસે તો લાફીંગ ગેસ હોય.. !
(૧૦)સાહેબ, તમારા મતે કઈ સરકાર સારી?
ભરતભાઈ ડાંગર (ગળકોટડી)
અમિતાભ બચ્ચન હીરો છે એ ‘સરકાર’ ફિલ્મ મને સારી લાગી.
(૧૧)દવે સાહેબ! હું કોણ છું? ધાર્મિક જવાબ આપશોજી. બાલુભાઈ કિકાણી (લીલીયા મોટા)
તમે જે છો એ તમે નથી અને તમે જે નથી એ તમે છો! વિસ્તૃત જવાબ માટે આપ ભાગવત સપ્તાહ બેસાડો તો પ્રેમથી કરી આપીશું.
(૧૨)તમને ભરેલાં મમરાનું શાક બનાવતાં આવડે?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ સાજણટીંબા (કેનેડા)
હું તમને એકેય બાજુથી કંદોઈ લાગુ છું?!
(૧૩)સાહેબ..! તમે ભણવામાં એકદમ ઠોઠ હતા તો પણ આ કોલમ કેમ ફાવી ગઈ?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
કોલમમાં જવાબ ગોખીને ન આપવાના હોય.
(૧૪)તમને મિસાઈલ બનાવતાં આવડે છે?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
ખાડી દેશોમાં અત્યારે ધણધણાટી બોલાવે છે એ કોણે બનાવી છે?!
(૧૫)ચંદ્રને ચાંદામામા કહેવાય છે, પરંતુ સૂર્યને કેમ સૂર્યમામા નથી કહેવાતું?
યોગેશભાઈ આર. જોશી (હાલોલ)
સૂરજદાદા સરળતાથી કોઈના ’મામા’ બની જાય એવા સરળ નથી!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..