રાજુલા તાલુકાના ઊંટિયા ગામે જૂની અદાવતમાં ફરી એકવાર વાતાવરણ ગરમાયું હતું. અગાઉ થયેલી માથાકૂટ અને તેના ચાલતા કોર્ટ કેસનું વેર રાખીને એક શખ્સે ફરિયાદીને જાહેરમાં ગાળો ભાંડી મારવા દોડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ગાજવદર ગામના ભાણાભાઇ મેઘાભાઇ ચૌહાણ (ઉ.વ.૬૦) એ જીતુભાઇ સવજીભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, તેમની અને સામાવાળા પક્ષ વચ્ચે અગાઉ કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. આ મામલે બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કાયદાકીય કાર્યવાહીને લીધે સામાવાળા પક્ષે મનમાં ખાર રાખ્યો હતો. કોર્ટ કેસનું મનદુઃખ રાખી અચાનક ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, આરોપીએ તેમને શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદે મારવા માટે પાછળ દોડીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે. પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.










































