મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પદ પરથી આજે રાજીનામુ આપ્યુ. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થતા જૂની સરકારના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું હવે ફરી ભુપેન્દ્રભાઇ પટેલ શપથ ગ્રહણ કરીને મુખ્યમંત્રી પદ સંભાળશે.ભુપેન્દ્રભાઇ પટેલની સાથે તેમની કેબિનેટે પણ રાજીનામુ આપ્યુ છે. ગુજરાત વિધાનસભામાં જીત મેળવ્યા ભાદ ભૂપેન્દ્ર પટેલ ૧૨ ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં બપોરે ૨ વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમિત શાહ સહિતના રાષ્ટ્રીય નેતૃત્વની હાજરીમાં શપથ લેશે.
આવતીકાલે શનિવારે બપોરે ૨ વાગ્યે ધારાસભ્ય દળની બેઠક મળશે. જેમાં ધારાસભ્ય દળ નેતાની પસંદગી કરશે. જેના માટે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રાજ્યપાલ પાસે બપોરે ૨ વાગ્યે મળવાનો સમય માંગ્યો છે. કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાશે. હવે નવી સરકારની રચનાની કવાયતની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના ચોંકાવનારાં પરિણામો આવ્યાં છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના ૨૦ મંત્રીમાંથી ૧૯ મંત્રી જીતી ગયા છે. મોટા ભાગનું મંત્રીમંડળ જીતી ગયું હોય એવું કદાચ પહેલીવાર બન્યું હશે. દેશભરમાં હિન્દુત્વની પ્રયોગશાળા અને ભાજપના એક મોડલ સ્ટેટ તરીકે ગુજરાતની ગણના થઈ રહી છે. ૧૪ માર્ચ ૧૯૯૫ના રોજ ગુજરાતમાં પહેલીવાર કેસરિયો લહેરાયો હતો અને ભાજપે સત્તા સંભાળી હતી. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી ધ્વંસ બાદ ગુજરાતમાં હિન્દુત્વનું વાવાઝોડું ફરી વળ્યું અને ૧૯૯૫માં ૧૨૧ બેઠકની જંગી બહુમતી સાથે ભાજપે સત્તા હાંસલ કરી. ત્યારબાદ ૨૦૦૨માં ગોધરાકાંડ થયો અને ભાજપે ૧૨૭ સીટ સાથે ઐતિહાસિક જીત મેળવી. પરંતુ હવે વિકાસ હિન્દુત્વના કમાલના કોમ્બિનેશન સાથે કમળ ખીલ્યું છે. આ ભાજપના ચૂંટણી સૂત્ર ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ની જેમ ગુજરાતીઓએ મતનો નાયગ્રા ધોધ વહાવી કહ્યું કે, ‘આ કમલ મેં ખીલવ્યું’ છે. ભાજપે ગુજરાતના ૬૦ વર્ષના ઇતિહાસના તમામ રેકોર્ડ બ્રેક કરી ૧૫૬ સીટ જીતી જ નહીં, પણ કેસરિયો મહાસાગર ઘુઘવી દીધો હતો. આમ આદમી પાર્ટીને ૫ સીટ તેમજ અન્યને ફાળે ૪ સીટ(૩ અપક્ષ અને ૧ સમાજવાદી પાર્ટી) આવી હતી. ભાજપને ૫૨.૫ ટકા, કોંગ્રેસ ૨૭.૩ ટકા અને આમ આદમી પાર્ટીનો ૧૨.૯ ટકા વોટશેર રહ્યો હતો. ઓગસ્ટ-૨૦૨૧માં ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોરદાર હલચલ જોવા મળી હતી. રાજ્યમાં નવા મુખ્યમંત્રીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ હતી. કમલમમાં બેઠકોનો દૌર ચાલી રહ્યો હતો અને કયું નામ સામે આવે છે તેની રાહ જાવામાં આવી રહી હતી ત્યારે કેન્દ્રથી બે નેતા નરેન્દ્ર સિંહ તોમર અને તરુણ ચુગ નિરીક્ષક તરીકે ગુજરાતમાં આવ્યા હતા. કમલમમાં તમામ ધારાસભ્યોને બોલાવી લેવામાં આવ્યા. વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપÂસ્થત હતા અને નવા મુખ્યમંત્રી તરીકે કોણ આવશે એના પર સૌની મીટ મંડાયેલી હતી. કમલમમાં જે ઓડિટોરિયમમાં મીટિંગ હતી ત્યાં છેક પાછળ ભૂપેન્દ્ર પટેલ બેઠા હતા. તેમને સહેજ પણ ખ્યાલ નહોતો અને મુખ્યમંત્રી તરીકે તેમના નામની ઘોષણા કરવામાં આવશે. સવારે તેઓ બોપલમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગયા હતા અને સાંજે મુખ્યમંત્રી બની ગયા. પછી તો વિજય રૂપાણીના તમામ મંત્રીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા ધારાસભ્યોને સ્થાન મળ્યું.
ગુજરાત વિધાનસભાનો ૫ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા ૧૮૨ બેઠકો પર ૧ અને ૮ ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. જેમા ભારતીય જનતા પાર્ટીની ૧૫૬ બેઠકો પર ઐતિહાસિક જીત થઇ હતી. આ જીત થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી મુખ્યમંત્રી બનશે. ગુજરાતમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદીના નામે ચૂટણી લડવામાં આવી હતી અને પ્રચંડ જીત હાંસલ થઇ છે. રાજ્યના એવા ૧૬ જિલ્લાઓ છે જ્યાં કોંગ્રેસ હાલ શૂન્ય થઇ ગઇ છે. આ કોંગ્રેસ મુક્ત જિલ્લાઓ કચ્છ જિલ્લાની ૬ બેઠકો, ગાંધીનગરમાં ૫ બેઠકો, સુરેન્દ્રનગરમાં ૫ બેઠકો, મોરબીમાં ૩ બેઠકો, રાજકોટમાં૮ બેઠકો, દ્વારકામાં ૨ બેઠકો, અમરેલીમાં ૫ બેઠકો, ખેડામાં ૬ બેઠકો, પંચમહાલમાં ૫ બેઠકો, દાહોદમાં ૬ બેઠકો, છોટાઉદેપુરમાં ૩ બેઠકો, વડોદરામાં ૮ બેઠકો, ભરૂચમાં ૫ બેઠકો, સુરતમાં ૧૬ બેઠકો, તાપીમાં ૨ બેઠકો, વલસાડમાં ૫ બેઠકો ભાજપે જીતી લીધી છે. આ તમામ ૧૬ જિલ્લામાં કોંગ્રેસના ફાળે એક પણ બેઠક આવી નથી. અને, આ તમામ ૧૬ જિલ્લાઓ કોંગ્રેસમુક્ત બન્યા છે.