બાબરા શહેરમાં આઈ.પી.એલ. ક્રિકેટ મેચ પર જુગાર રમતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. પંજાબ કિંગ્સ ઈલેવન અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહેલી ટી-ટ્‌વેન્ટી મેચ દરમિયાન ઓનલાઈન સટ્ટો રમી રહેલા શખ્સો પર પોલીસે દરોડો પાડ્‌યો હતો.સંદિપભાઇ અરવિંદભાઇ બગથળીયા, અલ્પેશભાઇ જનકભાઇ વાળા, હરેશભાઇ પીલુકીયા, ધમભાઇ બસીયા તથા વિવેકભાઇ પ્રવિણભાઇ પોપટ પોતાના આર્થિક ફાયદા માટે મેચની હાર-જીત પર સટ્ટો રમી રહ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્‌યા હતા.
પોલીસે તેમની પાસેથી રોકડ રૂ. ૧૦,૫૦૦, બે નંગ મોબાઈલ ફોન તથા સટ્ટાના વ્યવહારોવાળી ચિઠ્ઠીના સ્ક્રીનશોટ મળી કુલ રૂ. ૨૮,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.જી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.