અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ની ધારી શાખાના એક કર્મચારીની સજાગતા અને પ્રમાણિકતાના કારણે એક ગ્રાહકના પરિવારને તેમના મૃત્યુ બાદ ૧૯ મહિના પછી પણ પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનાનો રૂ.૨ લાખનો ક્લેઇમ મળી ગયો છે. આ અણધાર્યા લાભથી ગ્રાહકના પરિવારે બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને બેંકના કર્મચારીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ધારી બેંકના ગ્રાહક ભરતભાઈ વલ્લભભાઈ અંટાળાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમનાં પત્ની વિમળાબેન અંટાળાનું ૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ અવસાન થયું હતું. તેમના બચત ખાતામાંથી પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનાનું પ્રીમિયમ કપાતું હતું, જેની તેમને કે તેમના પરિવારને કોઈ જાણ નહોતી. ૧૯ મહિના બાદ, એટલે કે ૨૪ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ, ભરતભાઈ તેમનાં પત્નીનું બચત ખાતું બંધ કરાવવા માટે બેંકમાં ગયા હતા. ત્યારે બેંકના કર્મચારીએ તેમને જાણ કરી કે તેમનાં પત્નીના ખાતામાંથી વીમાનું પ્રીમિયમ કપાતું હતું. કર્મચારીની સજાગતાને કારણે, તેમણે વારસદાર તરીકે તેમના પુત્રનું નામ હોવાથી તરત જ ક્લેઇમ અરજી કરાવવાની પ્રક્રિયા શરૂ કરાવી. બેંક કર્મચારીએ માત્ર દસ દિવસમાં, એટલે કે ૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ, આ ક્લેઇમ મંજૂર કરાવીને રૂ.૨ લાખની રકમ વિમળાબેનના બચત ખાતામાં જમા પણ કરાવી દીધી.










































