રાજુલાની કુમારશાળા નં. ૧ના ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓ દ્વારા તા. ૨૯ ઓગસ્ટના રોજ રાજુલા પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને પોલીસ તંત્રની કામગીરી, કાયદો અને વ્યવસ્થા તથા નાગરિકોની સુરક્ષામાં પોલીસની ભૂમિકા અંગે પ્રત્યક્ષ માહિતી આપવાનો હતો. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા, ગુનાની તપાસ, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક નિયમોના પાલન અંગે સમજણ આપી હતી. પોલીસ કર્મચારીઓએ વિવિધ હથિયારો અંગે માહિતી આપી તેનું નિદર્શન પણ કર્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ તેમજ સાયબર ગુનાઓથી સાવચેત રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોલીસ અધિકારીઓને વિવિધ પ્રશ્નો પૂછીને માહિતી મેળવી હતી. પી.આઈ. કોલાદરા, આચાર્ય હિરલબેન ઠાકર તથા શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલી મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને યાદગાર બની રહી હતી.