રાખનાં રમકડાં
આમ બળિયા દેવને વંદન કરી દામલ હવે ધીમે ધીમે મંદિરનાં પગથિયાં ઉતરી નીચે આવ્યો. ત્યાં તો સામે જ સુંદર મજાનો બગીચો દેખાયો. થયું કે બગીચામાં થોડીવાર બેસવું. એટલે તે બગીચામાં દાખલ થયો . સિમેન્ટના એક બાંકડા પર તે બેઠો. ઠંડો ઠંડો પવન આવી રહ્યો હતો. ત્યાં તો…
તેની નજર થોડે જ છેટે ઊભેલી જ્યોતિ પર સ્થિર થઈ. આમ અચાનક જ્યોતિને સામે ઊભેલી જોતાં દામલના ચહેરામાં એકદમ ચમક ઊભરી આવી. એ સાથે તો તે તરત બોલ્યોઃ ‘અરે જ્યોતિ… જ્યોતિ…, તું અહીં ? અરે…! તને શું થઈ ગયું છે? જો ને તારા માથાના વાળ… આવા એકદમ સાવ ટૂંકા…? અને આ તારા ચહેરાને તો જો, હું પણ તને માંડ માંડ ઓળખી શક્યો. તારા આટલા રૂપાળા ચહેરાને શું થયું છે…? અને હું શું… આમ આટલી બધી વાંકી કેમ વળી ગઈ છે…?’ – દામલ આટલું બધું બોલ્યો. ત્યાં તો જ્યોતિ ગંભીર રીતે ખૂબ ખૂબ હસવા લાગી. પછી ખૂબ ખૂબ રડવા લાગી ને અચાનક જ ગાયબ થઈ ગઈ. આવું થતાં દામલ પણ હીબકે હીબકે ક્યાંય સુધી રડ્યો. ને બે-પાંચ મિનિટ પછી તે માંડ માંડ સ્વસ્થ થયો.
હાથની હથેળીવતી આંખ સાફ કરી ને આંખનું એક મટકું માર્યું ત્યાં તો વળી થોડે દૂર બા ઊભેલાં દેખાયાં. બાને જોતાંની સાથે જ દામલ ઉતાવળે બોલ્યોઃ ‘બા… એ બા…! તમે ત્યાં કેમ ઊભાં છો ? જુઓ… હું તમારો દામો…! તમે તો મને એકલો નોધારો મૂકીને ચાલ્યાં ગયાં છો ને ? બા… આ દુનિયામાં તમારાં
સિવાય મારું કોણ હતું ? મારું કોઈ નથી બા…! મારું કોઈ નથી…’ આમ બોલી વળી દામલ રડવા લાગ્યો. ત્યાં તો બા ગંભીર થઈને બોલ્યાંઃ
‘દીકરા…, તને આજે જ ખબર પડી કે આ દુનિયામાં તારું કોઈ નથી ? પરંતુ સત્ય એ છે કે, આ દુનિયામાં ફક્ત તારું નહીં, પરંતુ કોઈ કોઈનું નથી. આને જ દુનિયા કહેવાય, બેટા…! તો પણ આ માનવજાત ક્ષણિક સુખની લાલસામાં, શરીર સુખ ભોગવવા માટે જીવનભરનું દુઃખ વહોરી લે છે. દુનિયા આવી છે અને આવી જ રહેવાની છે, સમજ્યો ?’ બાના આવા કહેણ સાંભળી દામલે તેની આંખો બંધ કરી દીધી.
બીજી જ સેકન્ડે તેણે વળી તેની આંખો ખોલી જોયું તો બા… ગાયબ થઈ ગયાં હતાં. આ બધું શું ? વળી દામલ રડ્યો, ખૂબ ખૂબ રડ્યો. થોડીવાર પછી સ્વસ્થ થતાં બાંકડા પરથી તે ઊભો થયો અને બગીચામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગ્યો. ચક્કર ચક્કર ફર્યો પણ બગીચાનો દરવાજો તેને ન મળ્યો. હવે શું કરવું ? એ રડવા જેવો થઈ ગયો. ને પછી…
તેણે તેનું માથું ઊંચું કર્યું ત્યાં તો તેની સામે બે હાથ જોડીને ઊભેલી શાંતુ દેખાઈ. ત્યારે શાંતુની આંખમાંથી આંસુ વહી જતાં દામલે જોયાં. એટલે તરત જ પૂછ્યુંઃ ‘અરે શાંતુ… તું કેમ રડે છે ? રડ મા…’ ત્યાં તો શાંતુએ વધારે રડતાં રડતાં, હીબકાં ભરતાં ભરતાં ધ્રૂજતા અવાજે કહ્યુંઃ ‘તું મારો ધણી છે, દામલ…! મારો પતિ તું છે. તારા નામનું મંગળસૂત્ર મેં પહેર્યું છે. શું તારી ફરજ નથી કે…, તું મને એક બાળક પણ ન આપી શકે…? હવે તો મને એક બાળક આપ…’’ શાંતુના આવા શબ્દો સાંભળતાંની સાથે જ દામલે જોરથી ત્રાડ પાડીઃ ‘શાંતુ…! શાંતુ…!! શાંતુ…!!!’
મોડી રાતની નીરવ શાંતિમાં દામલની આવી ગભરાટ ભરી ચીસથી બાજુમાં સુતેલી શાંતુ ઝબકીને જાગી ગઈ. તે પણ આવું થતાં ગભરાયેલી હતી. છતાંપણ તેણે તેનો એક હાથ ઠંડાગાર દામલની છાતી પર રાખતાં કહ્યુંઃ ‘‘કેમ… શું થયું દામલ? આમ શાંતુ… શાંતુની બૂમો કેમ પાડે છે… ?’’
શાંતુના હાથના સ્પર્શ થકી દામલ ઊંઘમાંથી સફાળો જાગી ગયો. આંખો ખોલતાં જોયું તો પડખામાં શાંતુ હતી. પોતાના લીધે આજે આવું થતાં તેને ખૂબ અફસોસ થયો, પણ શું કરવું ? શાંતુ તો તેની સામે જ તાકી રહી હતી. એટલે દામલે બચાવની ખોખલી ક્રિયા કરતાં કહ્યુંઃ ‘‘શીતુ…, અત્યારના સપનાએ તો ભારે કરી. સપનામાં તું મારી પાસે હાથ જોડી કરગરતા કશું માગી રહી હતી. પરંતુ તું શું માગી રહી હતી… તેનો મને ખ્યાલ આવે તે પહેલાં તો… જોઈને તે મને જગાડી દીધો…’’
‘‘કંઈ વાંધો નહીં. ક્યારેક સપનામાં આવું બધું થતું હોય છે. ચિંતા નહીં કરવાની. જો હજી રાતના સાડા ત્રણ થયા છે. એટલે સપનાં વિશે વધુ વિચાર્યાં વગર ફરીથી ભગવાનનું સ્મરણ કરી શાંતિથી ઊંઘી જા…’’ શાંતુએ મમતાથી કહ્યું. (ક્રમશઃ)









































