અમરેલી જિલ્લામાં બ્રોડગેજ રેલ્વે પ્રોજેક્ટને લગતી વિવિધ બાબતો અંગે સમીક્ષા બેઠક સાંસદ ભરત સુતરીયા, ઉર્જામંત્રી કૌશિક વેકરીયાની હાજરીમાં યોજાઈ હતી. બેઠક દરમિયાન પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ, બાકી રહેલા કાર્યો, જમીન સંપાદનની પ્રક્રિયા તેમજ તકનિકી મુદ્દાઓ અંગે રેલ્વેના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હાલ ચાલી રહેલા તમામ કામોની વિગતવાર માહિતી મેળવી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જમીન સંપાદન દરમિયાન ઉભા થતા પ્રશ્નો અંગે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જે સ્થળોએ જમીન સંપાદનની પ્રક્રિયા બાકી છે અથવા કોઈ અડચણો છે તેનું વહેલી તકે નિરાકરણ લાવી કામગીરીમાં ગતિ લાવવા ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ વિભાગો વચ્ચે સંકલન કરી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.









































