અમરેલી જિલ્લાના લોકોની લાંબા સમયથી પડતર માંગણીઓ બાબતે અમરેલી મિશન બ્રોડગેજ સમિતિ તથા અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા સાંસદ ભરતભાઈ સુતરીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમિતિના પ્રમુખ રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું કે અમરેલીમાં બ્રોડગેજની કામગીરી અંતર્ગત ટેસ્ટીંગ પુરૂ થયા બાદ પાટા કાઢી નાખવામાં આવ્યા છે. જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ તે જમીનનો ઉપયોગ કર્યા વગર બીજી જમીનમાં કામ શરૂ કરવામાં આવ્યું છે, જેથી કામગીરી લાંબા સમયથી પુરી થતી નથી. માર્ચ મહિનામાં સેવા શરૂ થવાની હતી છતાં હજુ સુધી શરૂ થઈ નથી. અમરેલીથી મીટર ગેજ સેવા માત્ર છ મહિના માટે બંધ કરવામાં આવી હતી, પરંતુ દોઢ વર્ષ વીતી ગયા છતાં ટ્રેન શરૂ થઈ નથી. વેરાવળ અને જુનાગઢ તરફની ટ્રેનો ચલાલા સુધી ટ્રેક તૈયાર હોવાથી તાત્કાલિક શરૂ કરવા માંગ છે. અમરેલી સ્ટેશન વર્ષોથી બંધ હાલતમાં હોવાથી તેને ફરી ધમધમતું કરવા પણ કહેવામાં આવ્યું છે. અમરેલીથી અમદાવાદ દૈનિક ટ્રેન તથા વેરાવળ-હરિદ્વાર ટ્રેન અમરેલીમાંથી ચલાવી ચિતલ, લાઠી અને વડિયામાં સ્ટોપ આપવા પણ રજૂઆત કરાઈ છે. ચિતલ રોડ પરના એરપોર્ટની જગ્યા નાની હોવાથી વિકાસ શક્ય નથી. તેથી શહેરથી યોગ્ય અંતરે મોટા વિમાનો ઉતરી શકે તેવું નવું એરપોર્ટ બનાવી સુરત, અમદાવાદ, મુંબઈ અને દિલ્હી માટે સીધી ઉડાન શરૂ કરવાની માંગણી કરાઈ છે.સમિતિએ જણાવ્યું કે પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી ચુંટણીમાં લોકોનો અસંતોષ રાજકીય મુદ્દો બની શકે છે તેમ પત્રના અંતમાં જણાવાયુ છે.