કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી ખાતે ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિ પ્રો. (ડા.) સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન અને આચાર્ય ડા. એસ. પી. દેશમુખના નેતૃત્વમાં ‘પોષણ થાળી (NUTRI-THALI) કાર્યક્રમ–૨૦૨૬’ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સંતુલિત આહાર, પોષણયુક્ત ખોરાક, સ્થાનિક અને પરંપરાગત ખાદ્યપદાર્થો, સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તેમજ ખાદ્ય ઉદ્યોગસાહસિકતા અંગે જાગૃતિ લાવવાનો હતો. આ આયોજન અંતર્ગત વિદ્યાર્થીઓએ સ્થાનિક અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોમાંથી બનેલી પૌષ્ટિક વાનગીઓના ફૂડ સ્ટોલ તૈયાર કરીને પ્રદર્શન કર્યું હતું, જેનાથી તેમને ખાદ્ય બનાવટ, મૂલ્યવર્ધન અને વેચાણ કૌશલ્યનો વ્યવહારુ અનુભવ મળ્યો હતો. કોલેજના આચાર્ય, અમરેલીની FWWB ટીમ, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આ સ્ટોલની મુલાકાત લઈ પ્રયાસોને બિરદાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના મહત્વ અને ‘સ્વસ્થ જમીન, પોષણયુક્ત ખોરાક અને સ્વસ્થ જીવન’ના સંદેશ સાથે ટકાઉ ખાદ્ય પ્રણાલી પર ભાર મૂકવામાં આવ્યો હતો.





































