કોડીનાર-ઉના ફોરટ્રેક હાઈવે પર દેવળી ગામ નજીક દિનેશભાઈ મોરીના ખેતરમાં મહાકાય મગર દેખાતાં સ્થાનિકોમાં ચકચાર મચી હતી. જાણ થતાં જામવાળા વન વિભાગની ટીમ દોડી આવી હતી. દરમિયાન મગર વરસાદી પાણીના નિકાલના ગાળામાં ઘૂસી જતાં રેસ્ક્યુમાં મુશ્કેલી સર્જાઈ હતી. જોકે, એક કલાકની જહેમત બાદ મગરને સુરક્ષિત પકડી જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો. કોડીનાર પંથકમાં મગર દેખાવાની ઘટનાઓ વધી રહી છે. વન વિભાગના જણાવ્યા મુજબ પાણીનાં સ્તર ઘટતાં મગરો કેનાલ તરફ આવી રહ્યા છે. નાગરિકોને મગર દેખાય તો નજીક ન જવા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરાઈ છે.





































