ધામળેજના યુવાન સાથે લગ્ન કર્યાના માત્ર આઠ જ દિવસમાં લાખોની રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગયેલી યુવતીને ઉના તાલુકાના નાથળ ગામેથી ઝડપી પાડવામાં આવી છે. સોશિયલ મીડિયા પર તેના બીજા લગ્નના ફોટા વાયરલ થતાં આ સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો, ત્યારબાદ ભોગ બનનાર યુવાને ૧૧૨ પોલીસની મદદથી તેને પકડી ઉના પોલીસ સ્ટેશન હવાલે કરી છે.
વિગત મુજબ, ત્રણ-ચાર મહિના પૂર્વે પ્રેમ નામના મધ્યસ્થી દ્વારા ધામળેજના રૈયા કામળિયાના લગ્ન કાજલ ઓઘડ સોલંકી સાથે શંકર મંદિરમાં ફૂલહારથી થયા હતા. આ સમયે રૈયાએ આશરે રૂ.૨ લાખ રોકડા તથા સોના-ચાંદીના દાગીના આપ્યા હતા. જોકે, લગ્નના ૮ દિવસ બાદ કાજલ સુરત મામાના ઘરે જવાનું બહાનું કાઢી રોકડ-દાગીના સાથે ફરાર થઈ ગઈ હતી. તાજેતરમાં કાજલના સંબંધીએ સોશિયલ મીડિયા પર ફોટા મૂકતાં તપાસમાં સામે આવ્યું કે તેણે ૨૬ નવેમ્બરે નાથળ ગામના રાણા ગઢિયા સાથે રૂ.૧૦૦ના સ્ટેમ્પ પેપર પર બીજા લગ્ન કરી લીધા હતા. આ ટોળકીની અન્ય મહિલા સાગરીત દ્વારા બાબુ સોલંકી પણ છેતરાયા હોવાનું ખૂલ્યું છે. હાલ ઉના પોલીસે કાજલની અટકાયત કરી આ ટોળકીએ અન્ય કેટલા યુવાનોને નિશાન બનાવ્યા છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે.