અમદાવાદમાં ગુજરાત રાજ્ય ખાદ્યતેલ વેપારી મહામંડળના અધિવેશનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં રાજ્યભરમાંથી ખાદ્યતેલ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ, અગ્રણીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશન દરમિયાન ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ વેપારીઓને રોજિંદા વ્યવસાયમાં પડતી વિવિધ મુશ્કેલીઓના પ્રશ્નો અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ મહત્વપૂર્ણ અધિવેશનમાં ખાદ્યતેલની ગુણવત્તા અને ગ્રાહક હિતને સર્વોપરી રાખીને મહત્વનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વેપારીઓએ ભેળસેળ અથવા તેલમાં નિયત માત્રા કરતાં ઓછું તેલ ન વેચવાનો સ્પષ્ટ સંકલ્પ લીધો હતો, જેથી દરેક ગ્રાહકને શુદ્ધ, ભેળસેળમુક્ત અને પૂરતી માત્રામાં ખાદ્યતેલ મળી રહે અને બજારમાં વિશ્વસનીયતા જળવાઈ રહે.
અધિવેશનને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘શુદ્ધ માટે યુદ્ધ’ એ મોટી વાત છે અને નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુદ્ધતા અત્યંત જરૂરી છે. તેમણે કહ્યું કે દરેક બાબતમાં કેવી રીતે સુધારો કરી શકાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને સાચી તથા સારી રીતે પણ આગળ વધી શકાય છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ઉમેર્યું હતું કે આપણા કમાયેલા પૈસા પણ શુદ્ધ હોવા જોઈએ તેમજ ભેળસેળ અટકે અને ગ્રાહકોનું આરોગ્ય સુધારે તેવો લક્ષ્ય હોવો જોઈએ.
વધુમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ખાદ્યતેલ દરેક પરિવારના રસોડા અને સ્વાસ્થ્ય સાથે સીધું જોડાયેલું છે, તેથી તેની શુદ્ધતા સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણો દેશ કપરી સ્થિતિમાં પણ ઊભો રહ્યો છે અને સમાજ તથા વેપાર જગતની સાચી દિશામાં આગળ વધવાની ભૂમિકા ગ્રાહકોના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. અધિવેશનમાં વેપારીઓએ પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા, જેના પર સંબંધિત મુદ્દાઓના ઉકેલ અને ગુણવત્તાયુક્ત વિતરણ વ્યવસ્થાને લઈને વિગતવાર ચર્ચા થઈ હતી.