સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસને વેગ આપવાના હેતુથી ગાધકડા ગામ ખાતે રૂ. ૧૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર પીઠવડી-ગાધકડા-ગણેશગઢ-વિજપડી સ્ટેટ રોડનું ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગના નિર્માણથી પીઠવડી, ગાધકડા, ગણેશગઢ, વિજપડી સહિત આસપાસનાં અનેક ગામોના નાગરિકોને પરિવહનની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે. લાંબા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં સારી માર્ગ સુવિધાની જરૂરિયાત અનુભવાતી હતી. ત્યારે રૂ. ૧૫ કરોડના ખર્ચે આ સ્ટેટ રોડનું નિર્માણ થવાથી સ્થાનિક લોકોને અવરજવરમાં સરળતા મળશે. માર્ગનું કામ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને શાળા-કોલેજ સુધી પહોંચવામાં, ખેડૂતોને પોતાની ખેતપેદાશો બજાર સુધી લઈ જવામાં તેમજ વેપારીઓને માલસામાનની હેરફેરમાં નોંધપાત્ર સુવિધા મળશે. આ ઉપરાંત દર્દીઓને આરોગ્ય સેવાઓ માટે નજીકનાં શહેરો અને આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચવામાં સરળતા રહેશે. ગામડાંઓ વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનશે અને શૈક્ષણિક, સામાજિક તથા આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. સારા માર્ગો કોઈપણ વિસ્તારના વિકાસનો પાયો છે ત્યારે આ માર્ગનું નિર્માણ ગ્રામ્ય વિસ્તારની પ્રગતિમાં મહત્વપૂર્ણ સાબિત થશે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં માર્ગ, પુલ, શિક્ષણ, આરોગ્ય, પાણી સહિતનાં વિવિધ વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રૂ. ૧૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર આ માર્ગ પણ તાલુકાના વિકાસમાં મહત્વપૂર્ણ ઉમેરો બની રહેશે.આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરિયા, મહામંત્રી ચંદ્રેશ રામાણી, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મુકેશભાઈ મહીડા, મુકેશભાઈ આદ્રોજા, જિલ્લા પંચાયતના ભીખુભાઈ વાઘમશી, ઉદ્યોગપતિ ગોવિંદભાઈ કયાડા, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, સંગઠનના હોદ્દેદારો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




































