લીલિયાના ભોરીંગડા ગામે આગેવાની નહીં લેવાનું કહી યુવકને ફટકાર્યો હતો. ઉપરાંત, ‘હવે અરજી કરીશ તો મારી નાખીશ’ તેવી ધમકી પણ આપી હતી. આ બનાવ સંદર્ભે સંજયભાઈ નાથાભાઈ વરમોરા (ઉ.વ.૩૨)એ રજનીભાઈ માવજીભાઈ દેગડા તથા કિરણભાઈ માવજીભાઈ દેગડા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદી તથા તેમના પડોશમાં રહેતા લોકોનો ચાલવાનો રસ્તો આરોપીઓએ બંધ કરી દીધો હતો. જે બાબતે તેમણે ભોરીંગડા ગ્રામ પંચાયત ઓફિસમાં અરજી કરી હતી. આ બાબતનો ખાર રાખી આરોપીઓએ અગાઉ પણ ગાળો આપી, માર મારવાની ધમકી આપી હતી.ફરિયાદી તથા સાહેદ તેમના રહેણાક મકાને જતા હતા તે સમયે રજનીભાઈ દેગડાએ સાદ પાડી પોતાની પાસે બોલાવ્યા હતા. ત્યારબાદ ગ્રામ પંચાયત ઓફિસમાં રસ્તા બાબતે કરેલી અરજી અંગે વાત કરી, અરજી નહીં કરવા તથા આગેવાની નહીં લેવાનું જણાવ્યું હતું. ઉશ્કેરાયેલા રજનીભાઈએ કાઠલો પકડી લાફા માર્યા હતા, જ્યારે કિરણભાઈ દેગડાએ ઢીકાપાટુનો મૂઢ માર મારી રસ્તા બાબતે હવે કોઈ અરજી કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લીલિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મધુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.