અમરેલી શહેરમાં ગૌવંશની કતલ અને માંસની હેરાફેરીના મામલે ચકચાર મચી છે. શહેરના એક સામાજિક પ્રસંગના જમણવારમાં ગૌવંશના માંસનો ઉપયોગ થયો હોવાના આક્ષેપને પગલે અમરેલી સિટી પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે પ્રાણી સંરક્ષણ અધિનિયમ, પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, અમરેલીના મોટા કસ્બાવાડ વિસ્તારમાં આવેલા સિપાઈ જમાતખાના ખાતે દીકરીની સગાઈ અને ભાણિયાના લગ્ન પ્રસંગે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ માટે જીવાપરા વિસ્તારમાં રહેતા મહમદહનીફ રસુલમિયા સૈયદે લીલીયાના અસ્લમ સુલેમાન બાવનકા પાસેથી આશરે ૭૦ કિલો ગૌવંશનું માંસ મંગાવ્યું હોવાનો આક્ષેપ છે.ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, અસ્લમ બાવનકાએ પોતે અથવા અન્ય વ્યક્તિ મારફતે ગૌવંશની કતલ કરાવી ભાડાની ઇકો ગાડીમાં માંસનો જથ્થો અમરેલી પહોંચાડ્યો હતો. જ્યારે ઇરફાન ઉર્ફે ટીડાએ જમણવાર માટે માંસની વાનગી તૈયાર કરી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ તપાસ અમરેલી સિટી પોલીસ મથકના પીએસઆઈ જે.બી. ત્રિવેદી ચલાવી રહ્યા છે. માંસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, સમગ્ર મામલે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે.




































